સાઈન લેંગ્વેજ. આજકાલ સોશ્યલ મીડિયામાં ખાસ જુવાનિયાઓ સાઈન લેંગ્વેજનો વધારે ઉપયોગ કરતા હોય છે અને એમાંય ચેટિંગમાં ખાસ સાઇન લેંગ્વેજ જ વાપરતા હોય છે. જેના થકી એક તો લાંબુ લચક ટાઈપ ના કરવું પડે અને સૌથી મોટો ફાયદો મેસેજ કોઈ વાંચી ના શકે. ત્યારે આપણે મળીશું કેટલાક સુરતીઓને અને જાણીશું કે સાઈન લેંગ્વેજના ચક્કરમાં તેમના લેવાના દેવા થઈ ગયા હોય કે પછી સર્જાઈ હોય કોમેડી….
બીજી ફ્રેન્ડને આપેલા જ્વાબ એના સમજીને લખી લીધા અને માર્ક્સ ઓછા આવ્યા!!!
ધ્વનિ જણાવે છે કે, ‘’અમે ખાસ એકઝામ વખતે સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરીએ. આમ તો વાત કરવામાં પણ જો બીજી ફ્રેન્ડને ખબર ના પડવા દેવી હોય તો પણ અમે અમારી ભાષામાં વાત કરીએ. એકઝામ વખતે જો અમે ફ્રેન્ડ્સ આગળ પાછળ ના આવીએ અને બીજી જ રો માં હોઈએ ત્યારે અમે એકઝામ પહેલા નક્કી કરી રાખીએ, અમુક અવાજ કરે એટલે એકબીજા બાજુ જોવાનું અને પછી ઓબ્જેકટીવ એકબીજાને ઈશારાથી પૂછી લઈએ. પણ થયું એમ કે અમે ત્રણ ફ્રેન્ડ એક જ કલાસમાં હતી અને મારી બંને ફ્રેન્ડસ મને એક સાથે સાઈન લેંગ્વેજથી પૂછવાનું શરૂ કર્યું. થયુ એવું કે હું જવાબ પહેલી ફ્રેન્ડને આપતી હતી પણ બીજી ફ્રેન્ડે એના પૂછેલા સવાલ સમજીને એણે પણ એ જ ઓપ્શન મૂકી દીધા. રિઝલ્ટ આવ્યું ત્યારે મારા અને બીજી ફ્રેન્ડના માર્કસમાં ઝાઝો ફરક નહીં હતો પણ ત્રીજી ફ્રેન્ડના માર્ક્સ ઓછા આવતા એ રિસાઈ ગઇ કે તે મને ખોટા જવાબ લખાવ્યા.’’
રમવામાં સાઈન લેંગ્વેજ નો યુઝ
બાળકો ખાસ આવી ભાષા રમવામાં પણ વાપરતા હોય છે. અમુક રમતમાં પોતાના ગમતા ફ્રેન્ડને બચાવવા માટે સાઈન લેંગ્વેજ વાપરતા હોય છે. તક્ષ જણાવે છે કે, ‘’ અમારી સોસાયટીમાં ઘણા બાળકો છે. આથી રમતી વખતે બધા ગૃપના બાળકો ભેગા મળીને રમીએ. છોકરાઓની સંખ્યા વધારે છે આથી જેની માથે દાવ હોય એ જલ્દી ઉતરે જ નહીં. જેમ કે અમે સંતાકૂકડી રમીએ ત્યારે મારા ગ્રુપના બાળકો એવું નક્કી કરે કે રીંગણ બોલે તો એ બહાર નીકળી શકે અને બટાકુ બોલે તો સંતાઈ જ રહેવાનું. જેથી કરી કોઈ થપ્પો ના કરી શકે. કુકડે કુક, ડ્રા ઉ.. ડ્રા ઉ… એકી , બેકી સંખ્યા.. રામ- ભૂત એવા અનેક સાઈન જુદી જુદી રમત પ્રમાણે અમે નક્કી કરી રાખી છે.
રોંગ સાઇનથી ફરવા જવાનો પ્લાન ઠપ્પ થઈ ગયો
નવીન માણેકિયા જણાવે છે કે, ‘’ આજે તો મારા લગ્ન પણ થઈ ગયા પણ ઘણા વર્ષો પહેલા મારા સાસરામાં અમને હરવા ફરવા જવાની છૂટછાટ ઓછી મળતી હતી. અને એમાય જો ફરવા ગયા હોઈએ તો રાત્રે તો પાછા ઘરે આવી જ જવાનું, થયું એવું કે મારી વાઈફને જ્યાપાર્વતીનું જાગરણ હતું. પણ એના પપ્પાએ કીધું હતું કે જાગરણ શેરીમાં જ કરજો બહાર ફરવા રાત્રે નથી જવાનું અને એકબાજુ પેલીએ જિદ્દ પકડી હતી કે ગમે તે થાય મને જાગરણ બહાર જ કરવું છે. આથી થોડો સમય તો તેણે એની બહેનપણીઓ સાથે વિતાવ્યો ત્યારબાદ બોર થતી હતી આથી ઘરે જઈને એના પપ્પાનો ફોન છૂપી રીતે લઈને મને કોલ કર્યો કે હું ઘરે આવી ગઈ છુ મને બહાર ફરવા લઈ જા, પપ્પા સૂઈ ગયા છે. મેં કીધું સારું. મેં તેને કીધું કે હું બે વાર ખાંસી ખાઉં એટલે નીચે આવી જજે. બન્યું એવું કે હું જે સમયે પહોંચ્યો ત્યારે એના ફાધર પાણી પીવા ઊભા થયા અને મારા બદલે એમને જ ખાંસી આવી. પેલીને એમ લાગ્યું કે હું નીચે આવી ગયો એ તો ડોર ખોલીને નીચે આવી ગઈ. એના ફાધર ગેલેરીમાંથી જોઈ ગયાં અને ફરવા જવાનું જ કેન્સલ રહી ગયું, આમ રોંગ સાઇનથી ફરવા જવાનો પ્લાન ઠપ્પ થઈ ગયો અને આખું જાગરણ ઘરમાં જ ગાળવું પડયું હતું.’’