એક અતિ શ્રીમંત શેઠનું અવસાન થયું.અવસાન બાદ તેનો પુત્ર શેઠની ગાદીએ આવ્યો.અત્યાર સુધી પિતાજી હતા એટલે કોઈ દિવસ વેપારમાં ધ્યાન આપ્યું ન હતું.નવા શેઠ રોજ પેઢી પર આવવા લાગ્યા. તેણે એક દિવસ મુનીમજીને પૂછ્યું, “મુનીમજી આપણી પાસે કેટલું ધન છે?”યુવાન શેઠને મુનીમજીએ જવાબ આપ્યો, “નાના શેઠ,ચિંતા ન કરો. તમારી ૧૩ પેઢી ખાતાં પણ ખૂટે નહિ તેટલું ધન તમારા પિતાજી મૂકી ગયા છે.” મુનીમજીની વાત સાંભળી ખુશ થવાને બદલે નાના શેઠ ઉદાસ થઇ ગયા. મુનીમજીને કંઈ ખબર પડી નહિ.પણ તેમણે બહુ ધ્યાન ન આપ્યું.બીજા દિવસે નાના શેઠે ફરીથી મુનીમજીને બોલાવ્યા અને કહ્યું, આપણે વેપાર કરવા જેટલું ધન જોઈએ છે તે સિવાયના ભેગા કરેલા ધનની મને વિગતો આપો.
મુનીમજીએ વિગતો આપી.બસ કેટલું ધન છે તે જાણી થોડું પોતાના ઘર અને બાળકો માટે રાખી નાના શેઠે ધીમે ધીમે પિતાના નામે અને માતાના નામે દાન કરવાનું શરૂ કર્યું.વતનમાં પરબ બંધાવી.સદાવ્રત ચાલુ કર્યું.એક શાળા શરૂ કરી.અનેક ધર્મનાં કાર્યો …મંદિર અને ધર્મશાળા બાંધવાનાં કાર્યોમાં દિલ ખોલી દાન આપ્યું અને ક્યાંય પોતાનું નામ નહિ.ક્યાંય ફૂલહાર માન લેવા હાજર નહિ.મુનીમજી આ બધા કામમાં તેમની સાથે હતા.તેમને સમજાતું નહિ કે નાના શેઠ આટલું બધું દાન શું કામ કરે છે? આમ તો ૧૩ પેઢી સુધી ચાલનારું ધન આ પેઢીને જ ધન ખૂટી જશે.તેમણે હિંમત કરી નાના શેઠને કહ્યું, “નાના શેઠ, આ શેઠજી અને તેમના પૂર્વજો દ્વારા ભેગું કરેલું ધન તમે જો આવી રીતે દાનમાં આપશો તો તો તે ખૂટી જશે. દાન બરાબર છે, પણ તમે તો આપણા કોષ ખાલી થઇ જશે એટલું દાન કરો છો.શું કામ?”
નાના શેઠે કહ્યું, “મુનીમજી, ધનને ભેગું કરવા કરતાં સારા સ્થાને વાપરવું જોઈએ અને આમ આપણે ધનને ભેગું કરતાં જઈશું તો આપણી જ આવનારી પેઢીને પાંગળી બનાવીશું.અતિ ધન હોવાથી તેઓ પોતે કોઈ કામ અને મહેનત કરશે જ નહિ અને આપણી પેઢીના વેપાર માટે જરૂરી પૈસા તો મેં તમને પહેલેથી જ જુદા રાખવા કહ્યું જ છે.તેથી આપણો વેપાર પણ ચાલતો જ રહેશે.આપણે મહેનત કરી ધન કમાઈશું.મારે મારી પેઢીઓને ધનનો એટલો વારસો નથી આપવો કે તેઓ આળસુ ,અભિમાની અને પાંગળા બને.મારે તેમને અન્યને આપવાના સંસ્કાર અને જાત મહેનતના સંસ્કાર આપવા છે.ઘણું છે. તેણે ઘણું ઘણું કરવા કરતાં અન્ય સાથે વહેંચવું જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.