તા. ૧૧/૫ ના ‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘યુ આર યુનિક’ લેખમાં એક નાની બાળાની સુંદર વાત કરવામાં આવી છે. ૮ વર્ષની નાની બાળા સ્કૂલના કાર્યક્રમમાં એક માતાનો રોલ કરી રહી છે. બાળકને ડાયલોગ બોલતાં ઘોડિયામાં સુવાડવાનું હતું. પણ તેના વાંકડિયા વાળ તેના ડ્રેસના મોતી સાથે ભેરવાય ગયા હોવાથી તે બાળકને ઘોડિયા સુવાડી શકે તેમ નહોતી. ત્યારે તેણે પોતાની કોઠાસૂઝથી ડાયલોગ બનાવી બોલતી રહી અને અભિનય કરતી રહી અને જયારે વાળમાંથી મોતી નીકળી ગયું ત્યારે પોતાનો રોલ પૂરો કર્યો. આ જોઇ તેના શિક્ષકો તેના પર ઘણા ખુશ થયા અને તેને કહ્યું ‘યુ આર યુનિક’. આવું જ એક બીજુ ઉદાહરણ છે. એક મહાન વૈજ્ઞાનિકને એક જગ્યાએ વ્યાખ્યાન આપવા જવાનું હતું. પણ અચાનક તેની તબિયત બગડી. તેના ડ્રાઇવરે કહ્યું, ‘સાહેબ તમારું આ વ્યાખ્યાન મને એકદમ મોંઢે છે.
અને અહીં તમને કે મને કોઇ ઓળખતું નથી. તો તમે ગાડીમાં આરામ કરો. અને હું ભૂલ વગર વ્યાખ્યાન આપી શકીશ. એમ કર્યું પણ પ્રેક્ષકોએ પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું ત્યારે ડ્રાઇવરે પોતાની સમયસૂચકતા વાપરી કહ્યું આવા પ્રશ્નોના જવાબ તો મારો ડ્રાઇવર પણ આપી શકે. આ થઇ ડ્રાઇવરની કોઠાસૂઝ. આવી જ કેવટની અભણ હોવા છતાં બુધ્ધિપ્રતિભા રામાયણમાં જોવા મળે છે. દલીલ કરી પ્રભુ રામનાં ચરણો ધોઇ અમૃતનું પાન કરી ધન્ય બન્યો અને સાથે ૧૪ વર્ષ બાદ ફરી આવવાનું નકકી કરી રામને તેનું સ્મરણ રહે તેથી નાવની ઉતરાઇ બાકી રાખી. એક લગ્ન પ્રસંગમાં જાનૈયા પાસે માંડવા પક્ષે તળાવ દૂધથી ભરવાનું કહ્યું ત્યારે સૌ મૂંઝાયા, પણ એક વૃધ્ધે કહ્યું કે તમે પહેલાં ખાલી તો કરો. પછી દૂધ ભરીશું. આ અભણની કોઠાસૂઝ. પરિસ્થિતિમાં ગભરાઇ ન જતાં ધીરજ રાખી કોઠાસૂઝનો ઉપયોગ કરી સમયસૂચકતા વાપરી રસ્તો કાઢવો જોઇએ.
સુરત – પ્રભા પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.