Business

યુઝ એન્ડ થ્રો : નો, નેવર બ્રો..!

દર દિવાળીએ ઘરમાં નવો નવો સામાન લાવવો એવો એક ખ્યાલ બહુધા પ્રવર્તે છે. પરંતુ ખરેખર તો જે ચીજ વસ્તુઓ વપરાશમાં હોય અને વાપરી શકાય એવી હોય એને બદલવાની શું જરૂર છે? ઘણાં લોકો વાહનોમાં પણ નવું મોડલ આવે એટલે જૂના મોડલને કાઢી નવું વસાવે છે. આ ઉપભોક્તાવાદની નિશાની છે, કેટલાય મલ્ટીસ્ટોરમાં એક રૂપિયો ટોકન લઈ EMIથી મોંઘી વસ્તુઓ ગ્રાહકને આપી દે છે. અલબત્ત કેટલીક ફાઈનાન્સ કંપનીઓ આવી લોન ફાળવવા હાજરાહજૂર હોય છે. હવે તો હપ્તેથી હાથી પણ ખરીદી લેવાય એવી માનસિકતા પ્રવર્તે છે.

મધ્યમવર્ગ માટે આવી દેખાદેખી વસ્તુઓને બદલી નાંખવું અને જે વસ્તુનું હજી ઉપયોગીતા મૂલ્ય હોય એને રદ બાદલ કરવી એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. ભગવાન બુદ્ધે એક વાર આવા જ સંદર્ભે પોતાના શિષ્યોને પૂછ્યું કે, આ તમારું પહેરણ જ્યારે ફાટી જશે ત્યારે એનું શું કરશો? શિષ્યે કહ્યું: એનો ટુવાલ બનશે. ટુવાલ પણ ફાટી જશે ત્યારે? એમાંથી અમે પગલુંછણીયું બનાવીશું. એ પણ ફાટી જશે તો શું કરશો? અમે એની ચિંદરડી બનાવીને ચૂલો સળગાવવાના કામમાં લઈશું. આમ દરેક વસ્તુનું વપરાશી મૂલ્ય આપણે સમજીએ અને એનો ઉપયોગ કરીએ તો અનાયાસ આપણે કુદરતી સંસાધનોનું પણ જતન કરીએ છીએ. આ કંજૂસાઈ નથી પણ પ્રાકૃતિક સ્રોતની જાળવણી છે.
કીમ, સુરત        – પ્રકાશ પરમાર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top