અમેરિકામાં આર્થિક રીકવરીની સાથે સાથે હવે યુએસ ટ્રેઝરી બોન્ડના યીલ્ડ (વ્યાજ-વળતર)માં છેલ્લા એક વર્ષમાં ગત શુક્રવારે સૌથી વધુ વૃદ્ધિ નોંધાતા અમેરિકાના શેરબજારોમાં મંદીના કડાકા નોંધાયા હતા અને તેની પાછળ વિશ્વભરના શેરબજારો ગગડયા હતા.અમેરિકામાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ 560 પોઇન્ટ અને નાસ્ડેકમાં 478 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. આની પાછળ વૈશ્વિક શેરબજારોમાં ગાબડાં પડતાં ભારતમાં પણ ઓલરાઉન્ડ વેચવાલી ઉપડતાં સેન્સેકસ 1939 પોઇન્ટ અને નિફ્ટી 568 પોઇન્ટ ગબડીને 14529 બંધ રહ્યા હતા.
અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઉપજ વધીને આવતાં શેરબજારોમાં વેચવાલી જોરદાર વધે અને મંદીનું મોજુ ફરી વળે તે ઇકવીટીમાં રોકાણ કરતાં ઇન્વેસ્ટરો માટે કોઇ નવાઇની કે આશ્ચર્યની વાત નથી. ઐતિહાસિક રીતે જોઇએ તો શેરબજારની તેજી અને બોન્ડનું યીલ્ડ આ બંને વચ્ચે હંમેશા ઉંધી દિશામાં પ્રયાણ થતું હોય છે. એટલે કે બોન્ડ બોન્ડના યીલ્ડ નીચા રહે કે નીચા જતાં હોય ત્યારે હંમેશા શેરબજારોમાં જોરદાર તેજી થતી હોય છે. પરંતુ જ્યારે પણ બોન્ડના યીલ્ડ વધે ત્યારે શેરના ભાવોમાં ગાબડા પડતા હોય છે. યીલ્ડ વધે ત્યારે કોરોના ભાવોમાં ગાબડાં પડતા હોય છે. બન્ડ યીલ્ડની અસર નિફ્ટી અથવા સેન્સેક્સમાં પ્રાઇસ ટુ અર્નિગ મલ્ટીપલ વચ્ચે પણ ઉંધી દિશાનો સંબંધ રહેલો છે.
અમેરિકામાં ગયા જુન માસમાં બોન્ડ યીલ્ડ વર્ષના તળિયે હતો અને 100 બેસીસ પોઇન્ટ સુધીનો વધારો નોંધાયો છે. નિફ્ટી પીઇ મલ્ટીપલ શુક્રવારના રોજ ઉંચામાં 41.2 બોલાઇ ઘટી 39.7ના મથાળે રહ્યો હતો. આની સામે ડિસેમ્બર 2019માં જયારે યુએસમાં બોન્ડ યીલ્ડ 1.92 હતો ત્યારે નિફ્ટી પીઇ મલ્ટીપલ 28 એક્સ હતો.
ગ્લોબલ બોન્ડ માર્કેટમાં ગભરાટ ફેલાતાં બોન્ડ યીલ્ડમાં વધારો થતાં ઇન્વેસ્ટરોમા વધુ ગભરાટ એવી બીકે ફેલાયો કે વ્યાજના દરો જે હાલ નીચે રહ્યા છે અને કદાચ વધુ નીચે જઇ શકે તેમ છે તેના બદલે વ્યાજના દરો હવે વધવાની શરૂઆત કરશે તેવી ગણતરીએ ઇન્વેસ્ટરો ઓલરાઉન્ડ વેચવાલ બની ગયા હતા. કોવિડ મહામારીની શરૂઆત પછી આમ યુએસ બોન્ડ માર્કેટમાં યીલ્ડ ઉંચી સપાટીએ જતાં ગ્લોબલ બજારોમાં જોરદાર વેચવાલી ઉપડી હતી.
બોન્ડના વળતર-ઉપજમાં વધારો થતાં ઇન્વેસ્ટરો શેરબજારમાંથી વેચવાલી કરીને નાણાં ઉપાડીને તે ભંડોળ બોન્ડમાં રોકવાનું શરૂ કરે છે. બોન્ડ યીલ્ડમાં વધારો થતાં એફઆઇઆઇ વિશ્વભરના બજારોમાંથી નાણાં પાછા ખેંચે છે. એફઆઇઆઇ કે જેઓ લોન લઇને રોકાણ કરતાં હોય છે તેઓ વ્યાજદર ઘટવાને બદલે વધવાની બીકે પોતાની પોઝીશનો લીકવીડેટ કરે છે
બોન્ડ યલીડમાં વધારો અર્થતંત્રના વ્યાજના ઉંચા દરને પ્રતિબંબિત કરે છે. જેના કારણએ કંપનીઓ દ્વારા કરાતાં દેવાના ખર્ચમાં વધારો કરે છે. આના કારણે કંપનીઓ વધુ બોરોઇંગ કરવાનું ટાળે છે જેની માઠી અસર હાથ ઉપરની વિકાસ યોજનાઓ ઉપર પડે છે અને સાથે સાથે કંપનીના નફા માર્જિન ઘટે છે જે છેલ્લે શેરધારકોના ડિવિડન્ડ વહેંચણીને માઠી અસર કરે છે.
ટૂંકમાં જે કંપનીઓનું દેવું પ્રમાણમાં વધારે હોય છે તે કંપનીઓ અને તેના શેરોના ભાવને માઠી અસર થાય છે. શેરબજાર ઉપરાંત બેન્કોમાં વ્યાજદર વધે તો હોમ લોન, રીટેઇલ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ વગેરેમાં પણ બોજો વધી શકે છે. આથી લોકોનો ખર્ચ વધે છે જેની માઠી અસર બેન્કો વગેરે સંસ્તાઓની લોનની માગ ઉપર થાય છે જે છેલ્લે અર્થતંત્રની પ્રગતિ ધીમી પાડે છે.
છેલ્લા 15 વર્ષમાં યુએસ ટ્રેઝરી યીલ્ડ અને નિફ્ટી પીઇ મલ્ટીપલ વચ્ચે -0.4નો કો રીલેશન કાર્યક્ષમ રહ્યો છે. જેમ કે 2018ની સાલમાં યુએસ બોન્ડ યીલ્ડ ઓગસ્ટ 2018માં 2.8 ટકા હતો, તે ઓકટોબર 2018માં વધીને 3.2 ટકા થતાં નિફ્ટી પીઇ રેશિયો 28.5 એક્સથી ઘટીને 25 એક્સ થયો હતો અને ઇન્ડેક્સ નવ ટકા તૂટયો હતો.
પરંતુ નવેમ્બર 2018થી યુએસમાં બોન્ડ યીલ્ડ નીચે જવા લાગતા શેરોમાં સુધારાની ફરીને શરૂઆત થઇ હતી. કોવિડ મહામારીને દરેક આગેવાન દેશોએ પોતાની સીસ્ટમમાં લીકવીડીટી જોરદાર વધારતા અને પોલીસી રેટ-વ્યાજદરો ઘટાડતાં અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઘટયા હતા જે ડિસેમ્બર 2019માં 1.91 ટકા હતા તે માર્ચ 2020માં ઘટેન 0.67 ટકાએ પહોંચી ગયા હતા, અને જુન 2020માં તો 0.53 ટકાની રેકોર્ડ સપાટીએ નીચે ગયા હતા. આના કારણે કંપનીઓની નફાક્ષમતા ખૂબજ ઉંચી ગઇ હતી અને શેરોના ભાવોમાં રી-રેટિંગ થવા લાગ્યું હતું.
અર્નિગ યીલ્ડ પણ પીઇ મલ્ટીપલ કરતાં ઉંધી દિશામાં કામ કરતું હોય છે. શેર કે ઇન્ડેકસ 20 એક્સ મલ્ટીપલ ધરાવતો હોય તો તેનું અર્નિંગ યીલ્ડ પાંચ ટકા હોય છે. જ્યારે 40 એક્સ પીઇ મલ્ટીપલ વાળા શેર કે ઇન્ડેક્સનું અર્નિગ યીલ્ડ 2.5 હોય છે. અર્નિંગ યીલ્ડ ટકામાં દર્શાવાય છે અને તે ઇન્વેસ્ટરને શેરના હાલના ભાવે ડિવિડન્ડ યીલ્ડનો સંકેત આપે છે.
નિફ્ટી અર્નિગ યીલ્ડ માર્ચ 2020માં 5.2 ટકાની નીચી સપાટીએ પોહંચ્યા બાદ ગયા કેલેન્ડર વર્ષમાં 3 ટકાની નીચી સપાટીએ રહ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી ઇન્વેસ્ટરો અમેરિકામાં બોન્ડ પોર્ટફોલિયોમાં જે માય તેના કરતાં ભારતમાં લાર્જ કેપ શેરોમાં યીલ્ડ 350 બેઝીઝ પોઇન્ટ ઉંચો વધારે હતો. આના કારણે એફઆઇઆઇ-એફપીઆઇ ભારતમાં જંગી પાયે રોકાણ કરતાં રહ્યા હતા.
મે અને ડિસેમ્બર 2020ની વચ્ચેના સમયગાળામાં એફપીઆઇએ 30 બીલીયન(અબજ) ડોલરની ખરીદી કરી હતી અને 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ બે માસમાં વધુ છ બીલીયન ડોલરની ખરીદી કરી હતી. હવે, ભારતમાં ઇકવીટી વેલ્યુએશન ખુબ ઉંચા લેવલે પહોંચી ગયા છે અને યુએસમાં બોન્ડ યીલ્ડ વધી રહ્યા છે ત્યારે એફપીઆઇ ખરીદવાને બદલે વેચવાલ બની રહ્યા છે.
નિફ્ટીના હાલ પીઇ મલ્ટીપલે અર્નિગ યીલ્ડ 2.5 ટકા છે અને યીલ્ડ સ્પ્રેડ બે વર્ષની નીચી સપાટી એટલે કે 100 બેસીસ પોઇન્ટે છે. એટલે કે આ સ્પ્રેડ ગર્વમેન્ટ બોન્ડને વધુ સલામત બનાવે છે અને ઇકવીટી ઇન્વેસ્ટમેન્ટમાં વધુ જોખમ હોવાનું પ્રતિબંબિત કરે છે. છેલ્લા 15 વર્ષથી આ સ્પ્રેડ લગભગ સરેરાશ 200 પોઇન્ટ રહ્યો છે. જ્યારે પણ આ સ્પ્રેડ 200 બીપીએસથી નીચે જઇને લાંબો સમય રહ્યો છે ત્યારે ત્યારે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, સેન્ટ્રલ બેન્કો બોન્ડ યીલ્ડને અંકુશમાં રહે તેવા પગલાં ભરવાનું જણાવે છે તે સારી વાત છે પરંતુ અર્થતંત્રમાં ફુગાવાજન્ય દબાણ વધી જવાની બીક વધુ સતાવે છે જે શેરબજારોને વધુ માઠી અસર કરે છે. ગયા શુક્રવારની ઓલરાઉન્ડ વેચવાલી શેરબજારમાં ઉપડી હતી તે 2013માં આવેલ મંદીના મોજાની યાદ અપાવે છે. 2013માં યુએસ ફેડરિઝર્વ દ્વારા બોન્ડ ખરીદીનો અને જદરમાં ઘટાડાનો (યુએસ અર્થતંત્રની ઝડપી રીકવરી માટે) પ્રોગ્રામ જાહેર કરાતાં બોન્ડ યીલ્ડ 1.60 ટકાથી ઉછળીને 3 ટકાએ પહોંચી ગયો હતો.
ભારતમાં જુલાઇ 2013માં ભારે વેચવાલી ઉપડતાં 20 ટ્રેડિંગ સેસન્સમાં જ સેન્સેક્સ 12 ટકા ગબડયો છે. આની સામે 2012માં ભારતમાં 2012ની સાલમાં એફપીઆઇનું રોકાણ રૂ. 1.3 ટ્રીલયન (24.5 બીલીયન ડોલર) થયું હતું અને 2013માં રૂ. 1.1 ટ્રીલીયન (20 બીલીયન ડોલર) થયું હતું, પરંતુ ફેડ રિઝર્વની જાહેરાત બાદ આ બધું રિવર્સ ગીયરમાં ગયું હતું.
2020માં ભારતમાં એફપીઆઇનો ઇન્ફલો રૂ. 1.7 ટ્રીલીયન (23 બીલીયન ડોલર) રહ્યો છે. જેના કારણે કોવિડ મહામારી વખતે માર્ચ 2020માં ગગડી ગયેલ શેરોના ભાવ તેના તળિયાના ભાવી સરખામણીમાં 85 ટકાનો ઉછાળો દર્શાવે છે.હાલ યુએસ યીલ્ડ ચાલુ મહિનાની શરૂઆતમાં જે 1.08 ટકા હતા તે વધીને 1.61 ટકા થયેલ છે. 2013 અને 2021 વચ્ચે નોંધપાત્ર ફેર એટલો છે કે 2013માં બોન્ડ ખરીદીના પ્રોગ્રામમાં કાપ મુકવાની જાહેરાત થઇ હતી જ્યારે હાલમાં સેન્ટ્રલ બેન્કો એક વર્ષ માટે વ્યાજના દરો નીચા રાખવાની વાત કરે છે.
ભારતીય શેરબજારોમાં મંદીનો કડાકો બોલાતા કરન્સી બજારોમાં રૂપિયો ગગડયો હતો. ડોલર સામે રૂપિયો 72.44 વાળો 73.50 થઇ 73.47 બોલાયો હતો. મોડી સાંજે 74ની સપાટી કુદાવી ગયાની વાત હતી.