Editorial

બાંગ્લાદેશ સાથે અમેરિકાનો વેપાર કરાર: ભારતીય વસ્ત્ર ઉદ્યોગ માટે ચિંતા

ભારત સાથે અમેરિકાનો વચગાળાનો વેપાર કરાર થયો તેને કારણે ભારતની અનેક વસ્તુઓને અમેરિકામાં ઓછા ટેરિફ સાથે પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. ભારતીય વસ્ત્ર ઉદ્યોગ માટે પણ સારી આશા જાગી હતી, પરંતુ આ કરાર થયાના હજી માંડ થોડા જ દિવસમાં બાંગ્લાદેશ સાથે અમેરિકાનો દ્વિપક્ષી કરાર થયો છે અને તેને કારણે ખાસ કરીને ભારતના કાપડ ઉદ્યોગ માટે કેટલીક ચિંતાઓ ઉભી થઇ છે.

નવા દ્વિપક્ષીય વ્યાપાર કરાર હેઠળ અમેરિકાએ બાંગ્લાદેશી આયાત પરના રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 19 ટકા કર્યા છે. આ કરાર હેઠળ અમેરિકામાં ઉત્પાદિત કાચા માલનો ઉપયોગ કરીને બનાવેલા પસંદગીના ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ (તૈયાર કપડાં) માટે ડ્યુટી-ફ્રી એટલે કે કર-મુક્ત પ્રવેશની ઓફર કરવામાં આવી છે, અને ભારતીય વસ્ત્ર ઉદ્યોગ માટે આ એક મોટી ચિંતાની બાબત છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાએ મંગળવારે જાહેર કર્યું કે અમેરિકામાં ઉત્પાદિત સામગ્રીમાંથી બનેલા પસંદગીના બાંગ્લાદેશી વસ્ત્રોને શૂન્ય ટેરિફ (ઝીરો ટેક્સ) સાથે પ્રવેશ મળે તેવો માર્ગ બનાવવા માટે વોશિંગ્ટન પ્રતિબદ્ધ છે.

ટેરિફમાં મળેલી આ રાહ વોશિંગ્ટન સાથે નવ મહિના સુધી ચાલેલી વાટાઘાટોનું પરિણામ છે. શરૂઆતમાં, એપ્રિલ મહિનામાં અમેરિકાએ બાંગ્લાદેશી નિકાસ પર 37 ટકા સુધીના ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો હતો. સઘન ચર્ચાઓ પછી, ઢાકાએ ગયા વર્ષે ઓગસ્ટમાં આ દરોમાં ઘટાડો મેળવવામાં સફળતા મેળવી હતી, જેનાથી દર ઘટીને 20 ટકા થયો હતો. અમેરિકા તરફી વલણ માટે જાણીતા યુનુસે જણાવ્યું હતું કે, ગયા વર્ષે એપ્રિલથી ચાલી રહેલી નવ મહિનાની વાટાઘાટો પછી આ સમજૂતી થઈ હતી.

વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે બંને દેશો બાંગ્લાદેશમાં બિન-ટેરિફ અવરોધો  દૂર કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. તૈયાર કપડાં (રેડીમેડ ગારમેન્ટ્સ) ક્ષેત્ર બાંગ્લાદેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે કુલ નિકાસ કમાણીમાં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તે અંદાજે 40 લાખ કામદારોને રોજગારી આપે છે, જેમાંથી મોટાભાગની ગ્રામીણ અને ઓછી આવક ધરાવતી પૃષ્ઠભૂમિની મહિલાઓ છે, અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં લગભગ 10 ટકા યોગદાન આપે છે. બાંગ્લાદેશ પોતાના વસ્ત્ર ઉદ્યોગની અમેરિકામાં થતી નિકાસોને લાભ કરાવવા ઝઝૂમી રહ્યું હતું અને તેને હાલ સફળતા મળી હોવાનું જણાય છે.

ભારતીય અર્થતંત્રમાં કૃષિ પછી બીજા ક્રમનું સૌથી મોટું રોજગાર પ્રદાતા ક્ષેત્ર ટેક્સટાઇલ  ઉદ્યોગ છે. તાજેતરમાં જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થયો અને આયાત જકાત 50% થી ઘટાડીને 18% કરવામાં આવી, ત્યારે ભારતીય ઉદ્યોગ જગતમાં નવી આશા જાગી હતી. પરંતુ, હાલમાં થયેલા અમેરિકા-બાંગ્લાદેશ વેપાર કરારના નવા સમીકરણોએ ભારત માટે ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. આ કરારથી માત્ર સ્પર્ધા જ નથી વધી, પરંતુ ભારતના પરંપરાગત બજાર હિસ્સા પર પણ જોખમ ઊભું થયું છે.

બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના આ કરારમાં સૌથી મોટો અવરોધ ‘ઝીરો ટેરિફ’ની સુવિધા છે. કરારની શરતો મુજબ, જો બાંગ્લાદેશ અમેરિકા પાસેથી કપાસ અથવા મેન-મેઇડ ફાઈબરની આયાત કરે અને તેમાંથી તૈયાર કરેલા કપડાંની અમેરિકામાં નિકાસ કરે, તો તેના પર 0% ટેક્સ લાગશે. બીજી તરફ, ભારત માટે આ ટેક્સ ઘટાડ્યા પછી પણ 18% જેટલો ઊંચો રહે છે. આનો સીધો અર્થ એ છે કે અમેરિકાના બજારમાં બાંગ્લાદેશી કપડાં ભારતીય ઉત્પાદનો કરતા આશરે 18% સસ્તા હોઈ શકે છે. આટલો મોટો ભાવ તફાવત વૈશ્વિક બ્રાન્ડ્સ અને રિટેલર્સને ભારતથી હટાવીને બાંગ્લાદેશ તરફ વાળવા માટે પૂરતો છે.

આ કરારની બીજી ગંભીર અસર ભારતીય કપાસ અને યાર્ન ઉદ્યોગ પર પડશે. બાંગ્લાદેશ વિશ્વમાં કપાસના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે અને અત્યાર સુધી ભારત તેનો મુખ્ય સપ્લાયર રહ્યું છે. દર વર્ષે ભારત અંદાજે 3 બિલિયન ડોલરનું કપાસ બાંગ્લાદેશને નિકાસ કરે છે. જો કે, નવા કરારનો લાભ લેવા માટે બાંગ્લાદેશ માટે હવે અમેરિકન કપાસ ખરીદવો અનિવાર્ય બનશે. જો બાંગ્લાદેશ ભારતને બદલે અમેરિકા પાસેથી કાચો માલ ખરીદવાનું શરૂ કરશે, તો ભારતના ખેડૂતો અને સ્પિનિંગ મિલોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. બાંગ્લાદેશની મજબૂતી તેની સસ્તી મજૂરીમાં છે, જે ભારત કરતા ઘણી ઓછી છે. આ ઉપરાંત, ત્યાંની સરકાર ટેક્સટાઇલ ક્ષેત્રને ભારે સબસિડી પણ આપે છે.

ભારત પાસે અત્યાધુનિક ટેકનોલોજી અને કાચા માલનો વિશાળ સ્ત્રોત હોવા છતાં, બાંગ્લાદેશની ઓછી પડતર કિંમત અને હવે મળેલી ટેક્સ મુક્તિને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ટકી રહેવું મુશ્કેલ બનશે. ખાસ કરીને ગુજરાતનું સુરત, જે મેન-મેઇડ ફાઈબરનું હબ છે, અને તમિલનાડુનું તિરુપુર, જે હોઝિયરી માટે જાણીતું છે, તેમને સીધી અસર થવાની ભીતિ છે. સુરતના ઉદ્યોગકારોએ હવે તેમના નફાના ગાળામાં મોટો કાપ મૂકવો પડશે અથવા તો નવીનતા લાવવી પડશે. રોકાણની દૃષ્ટિએ પણ આ કરાર ભારત માટે નકારાત્મક સાબિત થઈ રહ્યો છે. કરારની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં જે રીતે ઘટાડો જોવા મળ્યો છે, તે રોકાણકારોમાં વ્યાપેલી ચિંતાઓ દર્શાવે છે. જો બાંગ્લાદેશ અમેરિકાનું પસંદગીનું સપ્લાયર બની જશે, તો નવી ફેક્ટરીઓ અને મોટા રોકાણો ભારતને બદલે બાંગ્લાદેશ તરફ વળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

જો કે, આ પરિસ્થિતિમાં ભારત પાસે કેટલાક રસ્તાઓ હજુ ખુલ્લા છે. ભારતીય ઉદ્યોગોએ હવે માત્ર સાદા અને સસ્તા કપડાં બનાવવાને બદલે ‘વેલ્યુ એડિશન’ પર ધ્યાન આપવું પડશે. ટેકનિકલ ટેક્સટાઇલ, સસ્ટેનેબલ ફેશન અને હાઈ-એન્ડ ડિઝાઈનિંગ એવા ક્ષેત્રો છે જ્યાં ભાવ કરતા ગુણવત્તા વધુ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત, ભારત સરકારે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો કરીને ટેરિફમાં વધુ ઘટાડો કરાવવો પડશે અથવા નિકાસકારોને અમુક ચોક્કસ યોજનાઓ દ્વારા  સહાય વધારવી પડશે.નિષ્કર્ષમાં, અમેરિકા-બાંગ્લાદેશ વેપાર કરાર એ ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ગંભીર ચેતવણી છે.

18% ટેક્સનો તફાવત એ એક મોટી દીવાલ સમાન છે જેને પાર કરવા માટે ભારતે તેની ઉત્પાદકતામાં સુધારો અને નીતિઓમાં પરિવર્તન લાવવું જ પડશે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો ભારતની ટેક્સટાઇલ નિકાસનો મોટો હિસ્સો પડોશી દેશ પાસે જતો રહેશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં અને આજે મુક્ત અને ખુલ્લા થયેલા વિશ્વમાં કેવી અનિશ્ચિતતાઓ પ્રવર્તી શકે છે તેનું આ ઉદાહરણ છે.

આજથી થોડા જ દિવસો પહેલા અમેરિકાના ટેરિફ ઘટવાને કારણે ભારતીય ઉદ્યોગ જગતમાં ખુશીનો માહલો હતો, પરંતુ અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર કરાર થતાં જ ભારતીય ઉદ્યોગ જગતમાંથી વસ્ત્ર ઉદ્યોગ માટે ચિંતાનો માહોલ ઉભો થઇ ગયો છે. જો કે ભારતીય વસ્ત્ર ઉદ્યોગે આ સંજોગોને પડકાર સમજીને તકલીફને તકમાં બદલી નાખવાના પ્રયાસો કરવા જોઇએ અને પોતાના માલની ગુણવત્તા સુધારીને અને તે સાથે જ તેનો ઉત્પાદન ખર્ચ શક્ય એટલો ઘટાડીને પોતાની વસ્ત્ર નિકાસોને સ્પર્ધાક્ષમ બનાવવાના પ્રયાસો કરવા જોઇએ.

Most Popular

To Top