અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોએ શનિવારે કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માંગે છે પરંતુ ભારતના ભોગે નહીં. મીડિયા અહેવાલો અનુસાર રુબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન પહેલાથી જ આતંકવાદ સામે સાથે કામ કરે છે પરંતુ આનાથી ભારતની સારી મિત્રતાને નુકસાન થશે નહીં.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારતે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે રુબિયોએ કહ્યું કે ભારતીય રાજદ્વારીમાં શાણપણ છે. તેઓ સમજે છે કે આપણે ઘણા દેશો સાથે સંબંધો જાળવવા પડશે. તેમના કેટલાક દેશો સાથે પણ સંબંધો છે. આ એક સમજદાર વિદેશ નીતિનો ભાગ છે.
પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો અંગે એક પત્રકારે પૂછ્યું કે શું આ મિત્રતા એટલા માટે વધી કારણ કે અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મદદ કરી હતી. રુબિયોએ જવાબ આપ્યો, “ના, મને લાગે છે કે અમે તે પહેલાં પાકિસ્તાન સાથે વાત શરૂ કરી હતી.” અમે તેમની સાથે અમારી વ્યૂહાત્મક મિત્રતા ફરીથી બનાવવા માંગીએ છીએ. અમારું માનવું છે કે આપણે ઘણી બાબતો પર સાથે કામ કરી શકીએ છીએ.
રુબિયોએ કહ્યું, “અમારું કામ મિત્રતા બનાવવાના રસ્તા શોધવાનું છે.”
રુબિયોએ કહ્યું, “અમે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવ છે પરંતુ અમારું કામ શક્ય તેટલા વધુ દેશો સાથે મિત્રતા બનાવવાના રસ્તા શોધવાનું છે. અમે આતંકવાદ સામે પાકિસ્તાન સાથે કામ કરી રહ્યા છીએ અને હવે તેને વધુ વિસ્તારવા માંગીએ છીએ પરંતુ આ ભારત કે અન્ય કોઈ સાથેના અમારા સારા સંબંધોના ભોગે નહીં થાય.” રુબિયોએ વધુમાં કહ્યું, “મારું માનવું છે કે અમે પાકિસ્તાન સાથે જે કરી રહ્યા છીએ તેનાથી ભારત સાથેની અમારી મિત્રતાને નુકસાન થશે નહીં.”