અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગયા અઠવાડિયે લોસ એન્જલસમાં ડેમોક્રેટિક કોંગ્રેસની કેમ્પેઈન કમિટીના રિસેપ્શનમાં બોલતા પાકિસ્તાનને સૌથી ખતરનાક રાષ્ટ્રોમાંનું એક ગણાવ્યું અને સાથે જ તેનાં પરમાણુ શસ્ત્રો અંગે ચિંતા વ્યક્ત કરી. પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા છે અને તે કોઈ જ દેખરેખ વગર પરમાણુ શસ્ત્રો ધરાવે છે. બિડેને પાકિસ્તાન પર આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેઓ ચીન અને રશિયાને લઈને અમેરિકાની વિદેશ નીતિ વિશે વાત કરી રહ્યા હતા. આ ટિપ્પણીઓ યુએસની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર થયાના બે દિવસ પછી આવી છે. ૪૮ પાનાંના આ દસ્તાવેજમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ નથી. બિડેન વહીવટીતંત્રે એક પોલીસી ડૉક્યુમેન્ટ બહાર પાડ્યો છે જેમાં ચીન અને રશિયા બંને દ્વારા અમેરિકા માટેના જોખમને રેખાંકિત કરવામાં આવ્યું છે.
અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જણાવે છે કે ચીન અને રશિયા જેણે આ વર્ષની શરૂઆતમાં પોતાના સંબંધોને ‘નો-લિમિટ્સ પાર્ટનરશીપ’એટલે કે એવી ભાગીદારી જેમાં કોઈ મર્યાદા નથી, તરીકે જાહેર કરી હતી. ચીન અને રશિયા એકબીજાની વધુ ને વધુ નજીક જઈ રહ્યા છે, જેને કારણે અલગ પ્રકારના પડકારો અમેરિકા સામે ઊભા થઈ રહ્યા છે. બિડેને કહ્યું કે, ‘ચીનનો સામનો અમારી પ્રાથમિકતા છે, સાથે જ ખતરનાક રશિયાને રોકવું પણ એટલું જ જરૂરી છે.’
અમેરિકાના નીતિ દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન સાથેની સ્પર્ધા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તો છે જ પરંતુ વૈશ્વિક ધોરણે પણ આ સ્પર્ધા વધી રહી છે. અમેરિકી સુરક્ષા વ્યૂહરચના દર્શાવે છે કે આગામી દસ વર્ષ ચીન સાથેની સ્પર્ધાનો નિર્ણાયક દાયકો હશે.
બિડેને એવું કહીને વાત પૂરી કરી કે તેઓ પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ માને છે. અગાઉ ટ્રમ્પ સરકારે એવું કહીને પાકિસ્તાનને મદદ નહીં કરવાનો નિર્ણય લીધો હતો કે પાકિસ્તાન આજે પણ અફઘાનિસ્તાનના તાલિબાનો અને હક્કાની નેટવર્ક માટે સ્વર્ગ સમાન છે. પાકિસ્તાને અફઘાન તાલિબાનને સતત ભંડોળ પૂરું પાડ્યું અને ટેકો આપ્યો. આવો ખતરનાક દેશ વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યો હોવા છતાં, વોશિંગ્ટને ૯/૧૧ની ઘટના પછી ઈસ્લામાબાદને ૫૦ અબજ ડોલરથી વધુ આપ્યા છે.
તાજેતરના મીડિયા અહેવાલોએ એ પણ સંકેત આપ્યો છે કે પાકિસ્તાન, યુએસ પ્રભાવ હેઠળ, ટૂંક સમયમાં જ વૈશ્વિક મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણની દેખરેખ કરતી સંસ્થા, વૈશ્વિક ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળી જશે. પાકિસ્તાન ૨૦૧૮ના મધ્યભાગથી આ બદનામ યાદીમાં સામેલ છે, અને FATF દ્વારા આ યાદીમાંથી બહાર નીકળવા કેટલીક શરતો મૂકવામાં આવી છે. ભારતીય સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે આ પૂર્વ-શરતોના પાલનથી દૂર હોવા છતાં, FATF સાથે અમેરિકાનો નોંધપાત્ર પ્રભાવ જોતાં ટૂંક સમયમાં તે પાકિસ્તાનને યાદીમાંથી બહાર કરવાની પ્રક્રિયા કરી શકે છે.
ગયા મહિને જ અમેરિકાએ પાકિસ્તાનને તેના પાવર પેક, એકંદર માળખું અને ઇલેક્ટ્રોનિક વોરફેર કેપેબિલિટીને અપગ્રેડ કરવા માટે તેના F-16 ‘ફાઇટિંગ ફાલ્કન’લડાકુ વિમાન માટે ૪૫૦ મિલિયન ડોલરનું ફ્લીટ મરામત પેકેજ આપ્યું હતું. ભારતના વિદેશમંત્રીની પાકિસ્તાનને આ સહાય પેકેજની ટીકાના જવાબમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું હતું કે અલ-કાયદા અને ISIS તરફથી આતંકવાદી ધમકીઓનો સામનો કરવા F-16 સક્ષમ રીતે કાર્ય કરે તે જરૂરી છે અને માટે જ ઇસ્લામાબાદને આ માટે નાણાં આપવા માટે વોશિંગ્ટન બંધાયેલું છે.
એક બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવે છે, તેના થોડા દિવસો પછી તરત જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેની પરમાણુ સંપત્તિ સુરક્ષિત કરવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતા અને ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતું નિવેદન આપે છે. આમ, આતંકવાદને પ્રોત્સાહન નહીં આપવાની વાત કરતું અમેરિકા પાકિસ્તાનને ખુલ્લેઆમ આર્થિક મદદ કરતું રહે છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.