અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે અને સ્થિતિ સતત વધુ ગંભીર બની રહી છે. ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે અમેરિકન અને ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં દેશભરમાં 3000થી વધુ ઘરો અને આશરે 500 દુકાનોને ભારે નુકસાન થયું છે. આ હુમલાનો સૌથી મોટો પ્રભાવ રાજધાની તેહરાનમાં જોવા મળ્યો છે, જ્યાં અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તબાહી નોંધાઈ છે. સંસ્થાના જણાવ્યા મુજબ હુમલાઓ દરમિયાન 14 હોસ્પિટલો અને મેડિકલ સેન્ટરોને પણ નુકસાન પહોંચ્યું છે. રાહત કામગીરી દરમિયાન રેડ ક્રેસન્ટના 5 કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. યુદ્ધની અસર માત્ર ઇમારતો સુધી સીમિત નથી રહી, પરંતુ દેશના અનેક વિસ્તારોમાં વીજળી અને પાણીના પુરવઠા પર પણ ગંભીર અસર પડી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અત્યાર સુધીના આ સંઘર્ષમાં ઇરાનના 1200થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇરાનના આશરે 300 મિસાઈલ લોન્ચરોને નષ્ટ કરી નાખ્યા છે. સતત થતા હુમલાઓને કારણે ઇરાનમાં અનેક વિસ્તારોમાં પાણી અને વીજળીની સેવા બંધ થવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના નવા સુપ્રીમ લીડરની પસંદગી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇરાને અમેરિકાની ભાગીદારી વગર નવા સુપ્રીમ લીડરની પસંદગી કરવી નહીં જોઈએ. ટ્રમ્પના મતે નવા નેતાની પસંદગીમાં અમેરિકાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને તેની ભાગીદારી વગર લેવાયેલો નિર્ણય સમયનો બગાડ સાબિત થઈ શકે છે. એક્સિઓસને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું કે અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકા તેમને સ્વીકારશે નહીં. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો નવા નેતા પણ અગાઉના નેતૃત્વ જેવી જ નીતિઓ અપનાવશે તો આવનારા વર્ષોમાં અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી સંઘર્ષ સર્જાઈ શકે છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા એવો નેતા ઇચ્છે છે જે ઇરાનમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી શકે.
યુદ્ધ સંબંધિત મુખ્ય અપડેટ્સ
- યુએસ અને ઇઝરાયલના હુમલાઓમાં ઇરાનમાં 1230 લોકોના મોત.
- અત્યાર સુધીમાં ઇરાનમાં લગભગ 1300 હુમલાઓ નોંધાયા.
- 14 હોસ્પિટલો સહિત અનેક આરોગ્ય કેન્દ્રોને નુકસાન.
- ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાયો.
- ઇઝરાયલે 300 ઇરાની મિસાઈલ લોન્ચરોને નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો.
- ઇરાનનો દાવો કે કુવૈત, બહેરીન અને યુએઈમાં આવેલા 20 અમેરિકન બેઝને નુકસાન થયું છે.