અમેરિકાના લશ્કરે જણાવ્યું છે કે તેણે અફઘાનિસ્તાનમાં એક સ્થળે ડ્રોન હુમલો કરીને આઇએસઆઇએસ સંગઠનના બે પ્લાનરોને મારી નાખ્યા છે. કાબુલ એરપોર્ટ પર ૧૩ અમેરિકી સૈનિકો અને ૧૬૯ લોકોનાં મોત નિપજાવનાર હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો એમ જણાવાયું છે.
ઇસ્લામિક સ્ટેટ સંગઠનનું અફઘાન એકમ કે જે આઇએસ – ખોરાસાન અથવા આઇએસઆઇએસ-કેના નામે ઓળખાય છે તેણે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા ઘાતકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. અમેરિકી લશ્કરી દળોએ આજે ક્ષિતીજની પારથી કરવામાં આવેલા કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં આઇએસ-ખોરાસાનના બે પ્લાનરો માર્યા ગયા છે એમ એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું.
અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડના પ્રવકત કેપ્ટન બિલ અર્બને જણાવ્યું હતું કે માનવ હિન ઉડ્ડયન યંત્ર વડે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો અફઘાનિસ્તાનના નાંગહર પ્રાંતમાં કરવામાં આવ્યો હતો. પ્રારંભિક સંકેતો સૂચવે છે કે અમે લક્ષિત શખ્સને મારી નાખ્યો છે. નાગરિકોની કોઇ જાનહાનિ થઇ હોવાનું અમને જાણવા મળ્યું નથી એ મુજબ અર્બને વધુમાં જણાવ્યું હતું. જો કે બાદમાં જણાવવામાં આવ્યું હતું કે બે પ્લાનરો માર્યા ગયા છે જેઓ હુમલાઓની વ્યવસ્થાઓ પણ કરતા હતા.
મેજર જનરલ હાન્ક ટેયલર નામના અધિકારીએ જણાવ્યું હતું કે ઇવાઇ હુમલામાં આઇએસઆઇએસ-કેના બે હાઇ પ્રોફાઇલ પ્લાનરો માર્યા ગયા છે તથા અન્ય એક ઘાયલ થયો છે અને અમારી જાણ મુજબ નાગરિકોની જાનહાનિ શૂન્ય છે. પેન્ટાગોનના પ્રવકતા જહોન કિર્બીએ જણાવ્યું હતું કે એક જ હુમલામાં આ બંને જણા માર્યા ગયા હતા. એક સંરક્ષણ અધિકારીને ટાંકીને સીએનએન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માર્યા ગયેલા પ્લાનરો એરપોર્ટ પરના ભવિષ્યના હુમલાઓનું આયોજન કરતા હતા.
આ હવાઇ હુમલો એના એક દિવસ પછી આવ્યો છે જયારે પ્રમુખ બાઇડને પ્રતિજ્ઞા કરી હતી કે કાબુલ એરપોર્ટ પર હુમલો કરનારને ગમે ત્યાંથી શોધી કાઢીને સજા કરવામાં આવશે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રમુખ બાઇડન ઇચ્છતા નથી કે તે ત્રાસવાદીઓ, કે જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો તેઓ વધુ લાંબો સમય જીવતા રહે. અલબત્ત, એ તત્કાળ જાણી શકાયું નથી કે આઇએસઆઇએસ-કેનો આ પ્લાનર ગુરુવારના કાબુલ એરપોર્ટ પરના હુમલામાં ચોક્કસપણે સંડોવાયેલો હતો. દરમ્યાન, પ્રમુખ સાથેની વીડિયો ટેલિકોન્ફરન્સમાં નેશનલ સિક્યુરિટી ટીમે તેમને માહિતી આપી હતી કે બીજો હુમલો પણ થઇ શકે છે અને અમેરિકનોને બહાર કાઢવા માટેના આગામી દિવસોમાં ભય રહેશે. આ ટેલિકોન્ફરન્સમાં ઉપપ્રમુખ કમલા હેરિસે પણ ભાગ લીધો હતો.