વોશિંગ્ટન, તા. 13 (AP): અમેરિકી નાણા મંત્રાલયના હાલના અહેવાલ મુજબ, અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે જે અમેરિકાની કુલ આર્થિક ઉત્પાદન ક્ષમતાથી દોઢ ગણું વધારે છે. આ દેવું કોરોના મહામારી પહેલાના અંદાજ કરતાં ઘણા વર્ષો પહેલા આ આંકડા પર પહોંચી ગયું છે.

જાન્યુઆરી 2020માં, અમેરિકી કોંગ્રેસનલ બજેટ ઓફિસે અંદાજ લગાવ્યો હતો કે 2030 પછી 37 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર થઈ જશે. પરંતુ 2020માં શરૂ થયેલી કોવિડ મહામારી દરમિયાન, તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાદમાં જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન અર્થતંત્રને બચાવવા માટે ભારે ઉધાર લેવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીનો ટેક્સ કાપ અને ખર્ચ વધારવાનો કાયદો પસાર કર્યો હતો, જે આગામી 10 વર્ષમાં દેવામાં વધુ 4.1 ટ્રિલિયન ડોલર ઉમેરવાનો અંદાજ છે.
વ્યાજખાતાના ખર્ચ જ વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુ છે, જે રક્ષા ખર્ચ કરતાં પણ વધારે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પેકેજે, ચીનથી ઇલેક્ટ્રોનિક્સથી લઈને યુરોપિયન લક્ઝરી સામાન સુધીના આયાત પર ભારે ટેરિફ લગાવી, જુલાઈમાં કસ્ટમ આવકમાં 273 ટકાનો વધારો કર્યો અને 21 બિલિયન ડોલર સરકારી તિજોરીમાં લાવ્યા. તેમ છતાં, જુલાઈમાં ખાધ 291 બિલિયન ડોલર રહી.
સોશિયલ સિક્યોરિટી, મેડિકેર અને દેવાના વ્યાજખાતાના વધેલા ખર્ચે આવકના વધારો મામૂલી કરી દીધો છે. સીબીઓના અંદાજ મુજબ, 2035 સુધીમાં અમેરિકાનું દેવું 52 ટ્રિલિયન ડોલર પાર કરી શકે છે. 8 ઓગસ્ટ સુધીમાં, રાષ્ટ્રીય દેવું લગભગ 37 ટ્રિલિયન ડોલર હતું, જે પહેલાથી જ અમેરિકાના સમગ્ર 30.3 ટ્રિલિયન અર્થતંત્રના કદને વટાવી ગયું છે. દેવું-જીડીપીનું પ્રમાણ હાલ 119.4 ટકા છે, જે મહામારી પહેલાંના 80 ટકા કરતા ઘણું ઊંચું છે.
દર 5 મહિને 1 ટ્રિલિયન ડૉલર દેવું વધે છે, આ સ્પીડ 25 વર્ષના સરેરાશ દરથી બમણી
હાલમાં અમેરિકા પર દર પાંચ મહિને આશરે 1 ટ્રિલિયન ડોલર દેવું વધી રહ્યું છે, જે ગયા 25 વર્ષના સરેરાશ દરથી બમણું છે.
જાન્યુઆરી 2024: 34 ટ્રિલિયન ડોલર
જુલાઈ 2024: 35 ટ્રિલિયન ડોલર
નવેમ્બર 2024: 36 ટ્રિલિયન ડોલર
ઓગસ્ટ 2025: 37 ટ્રિલિયન ડોલર
પહેલા 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચતા 200 વર્ષ લાગ્યા
સરખામણી માટે, દેશનું તેનું પ્રથમ 1 ટ્રિલિયન ડોલર દેવું 200 વર્ષથી વધુ સમયમાં થયું હતું જે જે 1981 માં પ્રાપ્ત થયેલ સીમાચિહ્નરૂપ હતું.