અમેરિકાની એક કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના દાવા પર ભારત સરકાર અને ઉચ્ચ અધિકારીઓને સમન્સ મોકલ્યા છે. પન્નુએ એક સિવિલ કેસમાં તેના પર હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે. ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ સમન્સને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે જ્યારે આ મામલો સરકારના ધ્યાન પર આવ્યો તો કાર્યવાહી કરવામાં આવી.
વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે. આ સંપૂર્ણપણે અયોગ્ય મામલો છે. હું તમારું ધ્યાન તે વ્યક્તિ તરફ દોરવા માંગુ છું જેણે આ મુકદ્દમો દાખલ કર્યો છે. પન્નુની પૃષ્ઠભૂમિ વિશે બધા જાણે છે. તે એક ગેરકાયદેસર સંગઠન સાથે સંકળાયેલો છે જે UAPA હેઠળ પ્રતિબંધિત છે. આ સંગઠન રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.
શું છે મામલો?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.