અમેરિકાના પૂર્વ કાંઠે આ ઋતુમાં ફરી એક વાર મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેણે કેટલાક વિસ્તારોમાં તો બે ફૂટ જેટલો બરફ ઠાલવી દીધો હતો તથા અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સાથે બે હજાર ફ્લાઇટો રદ કરવી પડી છે. ન્યૂયોર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં તો સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સાંજ સુધીમાં એક ફૂટ કરતા વધુ બરફ પડી ગયો હતો જ્યારે ઓર્લેનામાં બે ફૂટ બરફ પડી ગયો હતો અને આ અહેવાલ મોકલાયા ત્યારે પણ બરફ પડવાનું ચાલુ જ હતું. સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે પણ બરફ વર્ષા ચાલુ જ રહેવાની આગાહી હતી. આ બરફ વર્ષાનો પ્રથમ ભોગ એક ૬૭ વર્ષીય મહિલા બની હતી.
અલ્ઝાઇમરની બિમારી ધરાવતી આ મહિલા આવી સખત બરફ વર્ષામાં પણ દેખીતી રીતે મગજની સ્થિતિને કારણે ઘરની બહાર નીકળી પડી હતી અને સખત બરફ વર્ષા અને સખત ઠંડીમાં ઠુંઠવાઇને મૃત્યુ પામી હતી. બીજી બાજુ પેન્સિલવેનિયામાં ત્રણ ગોળીઓથી વિંધાયેલા મૃતદેહો મળી આવ્યા હતા જે બનાવ પાડોશીઓ વચ્ચે બરફ ખસેડવા બાબતે થયેલા વિવાદમાંથી બન્યો હોવાનું કહેવાય છે. આ સખત બરફ વર્ષા અને શિયાળુ તોફાનને કારણે પરિવહનની ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. પૂર્વ અમેરિકાના ન્યૂયોર્ક મહાનગર તથા ન્યૂજર્સી શહેરમાં રેલવે અને સબવે સિસ્ટમ બંધ કરી દેવી પડી હતી. રસ્તાઓ અને પૂલો બંધ કરી દેવાની પણ અધિકારીઓએ ચેતવણી આપી હતી તથા ૨૦૦૦ જેટલી ફ્લાઇટો રદ કરવી પડી હતી.