આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકા પ્રમુખે ફટાકડાંના વેપારીઓને હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા અપીલ કરી હતી. જોકે વેપારી તરફથી હકારત્મક વલણ જોવા મળ્યું હતું. આમ છતાં વેપારીઓ વલણ નહીં બદલે તો તેના બહિષ્કાર કરવા સુધીની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે. બોરસદ શહેરમાં દિવાળીના તહેવારમાં હિન્દુ સમાજનું દિલ ન દુભાય તે હેતુથી દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં વેપારીઓ દ્વારા ન વેચાય તે માટે પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
તહેવાર દરમ્યાન દેવી દેવતાનું પુંજન થતું હોય છે, જેથી લક્ષ્મીજી અને ગણેશજીના ફોટાંવાળા ફટાકડાં ફોડવાથી હિંદુ સમાજનું દિલ દુભાય છે. આથી, નગરપાલિકા પ્રમુખ આરતી પટેલ દ્વારા દિવાળીના તહેવારોમાં હિંદુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ કરવું નહીં. તેવી અપીલ આપવામાં આવી અને આમ છતાં વેપારી નહીં માને તો બહિષ્કાર કરવામાં આવશે. તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં કાઉન્સિલર યશોધરાબેન ભટ્ટ, કાઉન્સિલર જૈમીનીબેન પટેલ, કાઉન્સિલર મહેશભાઇ ઠાકોર, કાઉન્સિલર સુરેશભાઇ પરમાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદમાંથી ડો.બ્રીજેશભાઇ પટેલ, મેહુલકુમાર પટેલ, નગરપાલિકા કર્મચારીઓ અને બોરસદ દારૂખાનું એસોસિએશનના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.