National

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું: 6 જિલ્લાઓમાં 40 કેસ સામે આવ્યા, જાણો શું છે કારણ..?

બિહારમાંથી એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. હાલમાં નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં રાજયમાં 40 સ્તનપાન કરાવતી મહિલાઓના સ્તન દૂધમાં યુરેનિયમનું અત્યંત ઊંચું સ્તર બહાર આવ્યું છે.

મહાવીર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, AIIMS દિલ્હી અને અન્ય સંસ્થાઓની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગરિયા, કટિહાર અને નાલંદામાં મહિલાઓના નમૂનાઓમાં U-238 જોવા મળ્યું. આથી નવજાત બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે.

આ અભ્યાસ પટનાની મહાવીર કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉ. અરુણ કુમાર અને પ્રો. અશોક શર્મા દ્વારા નવી દિલ્હીના AIIMS ખાતે બાયોકેમિસ્ટ્રી વિભાગના ડૉ. અશોક શર્માની આગેવાની હેઠળની ટીમ સાથે હાથ ધરવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2021થી જુલાઈ 2024 વચ્ચે ભોજપુર, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, કટિહાર અને નાલંદા જિલ્લાના 40 સ્ત્રીઓના બ્રેસ્ટ મિલ્કના નમૂના લેવામાં આવ્યા હતા.

સ્ટડીમાં સૌથી ચોંકાવનારું તારણ એ રહ્યું કે:

  • તમામ 40 નમૂનાઓમાં યુરેનિયમ મળ્યું
  • ખગડિયામાં સૌથી વધુ પ્રમાણ, જ્યારે
  • નાલંદામાં સૌથી ઓછું પ્રમાણ નોંધાયું

સંશોધકો મુજબ લગભગ 70 ટકા નવજાત બાળકો એવા સ્તરના યુરેનિયમના સંપર્કમાં આવી રહ્યા છે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ છે.

યુરેનિયમ ક્યાંથી આવી રહ્યું છે?
એઈમ્સના ડૉ. અશોક શર્માએ જણાવ્યું કે હજુ સુધી ચોક્કસ સ્ત્રોત જાણી શકાયો નથી. પરંતુ કેટલાક સંભવિત કારણો આપ્યા:

  • બિહારમાં પીવાનું પાણી મુખ્યત્વે ભૂગર્ભજળ પરથી લેવામાં આવે છે
  • ઔદ્યોગિક કચરો યોગ્ય રીતે ટ્રીટ નથી થતો
  • લાંબા સમયથી રસાયણિક ખાતરોનો વપરાશ વધી રહ્યો છે
  • પાણીમાં આરસેનિક અને લેડ પહેલાંથી જ મળી ચૂક્યા છે
  • હવે તે જ પાણી દ્વારા યુરેનિયમ પણ ફૂડ ચેઇનમાં ઘૂસી રહ્યું છે

નવજાત બાળકોનું શરીર પર યુરેનિયમની અસર:

  • કિડનીને નુકસાન
  • મગજના વિકાસ પર અસર
  • ન્યુરોલોજિકલ સમસ્યાઓ
  • ભવિષ્યમાં કેન્સરનું જોખમ વધારી શકે છે.

સ્તનપાન ચાલુ રાખવાની સલાહ
આ ગંભીર પરિણામો છતાં, નિષ્ણાતોએ જણાવ્યું કે માતાઓએ સ્તનપાન કરાવવાનું બંધ ન કરવું જોઈએ કારણ કે સ્તનપાન બાળકો માટે હજી પણ સૌથી સલામત અને જરૂરી પોષણનો સ્ત્રોત છે. પરંતુ આ મુદ્દે સરકારને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

Most Popular

To Top