પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં યુપીએસસીની તૈયારી કરી રહેલા એક સ્ટુડન્ટે સર્જિકલ બ્લેડથી પોતાની ગુપ્તાંગ કાપી નાંખ્યુ. યુવકને એવું લાગતું હતું કે ભલે તે શારીરિક રીતે છોકરો હોય પણ અંદરથી તે છોકરી છે. તેની ચાલ અને અવાજ પણ છોકરી જેવો જ હતો. આવી સ્થિતિમાં તેણે પોતાનું લિગ બદલવા માટે આ ભયાનક પગલું ભર્યું. હાલમાં, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમેઠીનો આ યુવક પ્રયાગરાજમાં ભાડાના મકાનમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. યુવકને લાગ્યું કે તેની ચાલવાની શૈલી છોકરી જેવી છે. તેનો અવાજ પણ છોકરીઓ જેવો જ છે. તેથી તેણે કટરા ખાતે એક ડૉક્ટરનો સંપર્ક કર્યો. પછી ડૉકટરે કહ્યું કે જો તે પોતાની જાતથી સંતુષ્ટ ન હોય તો તે પોતાનું લિંગ બદલીને છોકરી બની શકે છે. તેથી ત્રણ દિવસ પહેલા યુવક એક મેડિકલ સ્ટોરમાંથી તેને બેભાન કરવા માટે સર્જિકલ બ્લેડ અને ઇન્જેક્શન લાવ્યો હતો.
યુવકે ગુગલ અને યુટ્યુબ પર આ વિશે રિસર્ચ શરૂ કર્યું. જ્યાંથી તેને સર્જરી વિશે માહિતી મળી. આ પછી તેણે પોતાને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું પછી તેણે સર્જિકલ બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. જયારે એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી ત્યારે યુવકની તબિયત બગડવા લાગી. તે રૂમમાં જ પીડાથી કણસવા લાગ્યો. માહિતી મળતાં જ મકાન માલિક અને હોસ્ટેલના અન્ય યુવાનો રૂમમાં દોડી ગયા હતા. યુવક રૂમમાં લોહીથી લથપથ હતો. તેને તાત્કાલિક સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. હાલમાં યુવકની હાલત સ્થિર છે.
14 વર્ષની ઉંમરથી છોકરી બનવા માંગતો હતો
હોસ્પિટલમાં દાખલ આ યુવકની ઉંમર 22-23 વર્ષ હોવાનું કહેવાય છે. તેણે કહ્યું કે તે પોતાનું લિંગ બદલીને છોકરી બનવા માંગે છે. આ માટે તેણે પોતાને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું અને પછી સર્જિકલ બ્લેડથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. પરંતુ જ્યારે તેને દુખાવો થયો ત્યારે તે ચીસો પાડવા લાગ્યો. આ સાંભળીને મકાનમાલિક આવ્યો અને અન્ય લોકોની મદદથી તેને ડૉક્ટર પાસે લઈ ગયો.
આ યુવક અમેઠી જિલ્લાનો રહેવાસી છે. તેના કહેવા મુજબ, તે 14 વર્ષની ઉંમરથી છોકરી બનવા માંગતો હતો. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હોવાથી તે તેના પરિવારના સભ્યોને કંઈ કહી શકતો ન હતો. તે થોડા દિવસો માટે તેની કાકીના ઘરે રહ્યો. ત્યારબાદ તે પ્રયાગરાજ ભણવા આવ્યો . તે શહેરમાં ભાડાના રૂમમાં રહેતો હતો અને UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પરિવાર ચોંકી ગયો
જ્યારે યુવકના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ચોંકી ગયા. યુવકની માતાએ કહ્યું કે તેનો દીકરો એવો નથી કોઈએ તેને ગેરમાર્ગે દોર્યો છે. મહિલાએ તે ડોક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી જેણે યુવકને તેનું લિંગ બદલવાની સલાહ આપી હતી. બીજી તરફ આ કેસમાં સર્જન ડૉ. સંતોષ સિંહ કહ્યું કે જો યુવકને સમયસર હોસ્પિટલમાં લાવવામાં ન આવ્યો હોત તો તે પોતાનો જીવ ગુમાવી શક્યો હોત.
ડોક્ટરે શું કહ્યું?
સર્જને આ કહ્યું SRN હોસ્પિટલના મીડિયા ઇન્ચાર્જ અને સિનિયર સર્જન સંતોષ સિંહ કે.એ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર અથવા જેન્ડર ડિસફોરિયાથી પીડિત છે. તેણે પોતાના હાથે પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટમાંથી ઘણું લોહી નીકળતું હતું. સર્જનના મતે આ રોગમાં દર્દીને લાગે છે કે તે છોકરી છે, તેથી તે પરિવર્તન માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.
તેમણે કહ્યું કે જો વિદ્યાર્થી સમયસર હોસ્પિટલ ન પહોંચ્યો હોત તો તેનો જીવ જઈ શક્યો હોત. વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે. જો આમ છતાં તે પોતાનું લિંગ બદલવા માંગે છે, તો એક વર્ષની સારવાર અને હોર્મોન દવા લીધા પછી, તેનું લિંગ બદલવાની પ્રક્રિયા કરી શકાય છે.