યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે, 22 એપ્રિલના રોજ બહુપ્રતિક્ષિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે UPSC ની સત્તાવાર વેબસાઇટ [upsc.gov.in] પર પોતાનું પરિણામ ચકાસી શકે છે.
આ વખતે પ્રયાગરાજની શક્તિ દુબેએ CSE પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે હર્ષિતા ગોયલ બીજા સ્થાને રહી. ત્રીજા સ્થાને ડોંગરે અર્ચિત પરાગ અને શાહ માર્ગી ચિરાગ ચોથા સ્થાને રહી હતી. આકાશ ગર્ગ પાંચમા સ્થાને, કોમલ પુનિયા છઠ્ઠા સ્થાને અને આયુષી બંસલ સાતમા સ્થાને છે.
ટોપર્સનું લિસ્ટ

UPSC એ આ અંતિમ પરિણામ PDF ફોર્મેટમાં જાહેર કર્યું છે, જેમાં વિવિધ પ્રતિષ્ઠિત સેવાઓમાં નિમણૂક માટે પસંદ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબરનો સમાવેશ થાય છે. આ યાદી કમિશનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
કુલ 1009 ઉમેદવારોએ UPSC પાસ કરી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માં નિમણૂક માટે કુલ 1,009 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) ના પદો પર નિયુક્ત કરવામાં આવશે.
પસંદ કરાયેલા ઉમેદવારોમાં વિવિધ શ્રેણીઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય શ્રેણીના 335, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), 109 અન્ય પછાત વર્ગ (OBC), 160 અનુસૂચિત જાતિ (SC) અને 87 અનુસૂચિત જનજાતિ (ST)નો સમાવેશ થાય છે.
દિવ્યાંગ કેટેગરીમાંથી 45 ઉમેદવારોની પસંદગી
આ વખતે PwBD શ્રેણી હેઠળ કુલ 45 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 12 PwBD-1 (દૃષ્ટિહીન), 8 PwBD-2 (શ્રવણહીન), 16 PwBD-3 (ગતિશીલતા ક્ષતિ) અને 9 PwBD-5 (અન્ય વિકલાંગતા) છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે.
દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં બેસે છે, પરંતુ ફક્ત થોડા હજાર ઉમેદવારો જ પસંદ થાય છે. આ પરીક્ષા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય ગ્રુપ A અને B સેવાઓમાં પસંદગી માટે લેવામાં આવે છે.
