National

પૂજા ખેડકરના વિવાદ વચ્ચે UPSC ચેરમેન મનોજ સોનીએ રાજીનામું આપ્યું! 5 વર્ષનો કાર્યકાળ બાકી હતો

તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન (UPSC ચેરપર્સન) મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. તેમનો હજી 5 વર્ષનો કાર્યકાળ બાકી હતો. જોકે રાજીનામું આપ્યા બાદ સોનીએ જણાવ્યું હતું કે આ રાજીનામાનો પુજા ખેડકર સાથે કોઈ સંબંધ નથી.

રાજીનામું સ્વીકારાયું નથી
જોકે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના એક સૂત્રના જણાવ્યા અનુસાર તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. સૂત્રોનું કહેવું છે કે મનોજ સોનીના રાજીનામાનો મુદ્દો IAS પૂજા ખેડકર સાથે સંબંધિત નથી. જણાવી જઈએ કે સોની 2017માં યુપીએસસીના સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે, 2023ના રોજ તેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર સામેના આરોપોને પગલે UPSC વિવાદમાં ફસાઈ છે, જેમણે સિવિલ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે નકલી ઓળખ કાર્ડ બનાવ્યા હતા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે “ઘણા સમય પહેલા” રાજીનામું સુપરત કર્યું હતું.

યુપીએસસીમાં જોડાતા પહેલા, ડૉ. સોનીએ વાઇસ ચાન્સેલર તરીકે ત્રણ ટર્મ સેવા આપી હતી. તેમાં 01 ઓગસ્ટ 2009 થી 31 જુલાઈ 2015 સુધી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના વાઇસ ચાન્સેલર તરીકે સતત બે ટર્મ અને એપ્રિલ 2005 થી એપ્રિલ 2008 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (બરોડા MSU) ના વાઇસ ચાન્સેલર તરીકે એક ટર્મનો સમાવેશ થાય છે. . બરોડા MSUમાં જોડાયા તે સમયે ડૉ. સોની ભારતમાં અને MSUમાં સૌથી યુવા વાઇસ ચાન્સેલર હતા.

ડો. સોનીએ ઉચ્ચ શિક્ષણ અને જાહેર વહીવટની ઘણી સંસ્થાઓના બોર્ડ ઓફ ગવર્નર્સમાં સેવા આપી છે. તેઓ ગુજરાત વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલી અર્ધ-ન્યાયિક સંસ્થાના સભ્ય પણ હતા, જે ગુજરાતમાં બિન-અનુદાનિત વ્યાવસાયિક સંસ્થાઓની ફી માળખાનું નિયમન કરે છે.

કોંગ્રેસે કહી આ વાત
UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ અંગત કારણોસર રાજીનામું આપ્યા પછી કોંગ્રેસે કહ્યું કે તેમણે દેખીતી રીતે UPSCની આસપાસ ચાલી રહેલા વિવાદને કારણે પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે સોનીએ મે 2029 માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે પણ કહ્યું હતું કે 2014થી તમામ બંધારણીય સંસ્થાઓની પવિત્રતા અને સ્વાયત્તતાને ભારે નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મોદી 2017માં UPSC સભ્ય તરીકે ગુજરાતમાંથી તેમના એક પ્રિય ‘શિક્ષણવિદ્’ લાવ્યા હતા અને તેમને 2023માં છ વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવ્યા હતા. પરંતુ આ કહેવાતા પ્રતિષ્ઠિત સજ્જન હવે સેવામાંથી નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળની સમાપ્તિના પાંચ વર્ષ પહેલાં રાજીનામું આપ્યું હતું.

Most Popular

To Top