નવી દિલ્હી: સંસદના (Parliament) બજેટ સત્રનો (Budget session) આજે ચોથો દિવસ છે. સંસદની કાર્યવાહી 11 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ વિપક્ષના હિંડનબર્ગના રિપોર્ટ (Hindenburg report) પર ચર્ચાને મામલે હંગામો કરતા કાર્યવાહી 2 વાગ્યે સુધી સ્થગિત કરવી પડી હતી. લોકસભાની (Loksabha) કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની (Rajyasabha) કાર્યવાહી 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસે પણ વિપક્ષી દળોએ હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદમાં હંગામો મચાવ્યો, જેના કારણે સંસદનું કામકાજ થઈ શક્યું નહીં. હવે ચોથા દિવસે પણ સંસદ ચાલી શકશે કે કેમ તે જોવાનું રહેશે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા કોંગ્રેસ આજે ફરી સક્રિય થઈ છે.
હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જારી રહ્યો છે. બીજી તરફ વિપક્ષ પણ આ રિપોર્ટ અને અદાણી ગ્રુપ પરના આરોપો પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. તેથી વિપક્ષનો હોબાળો સંસદથી લઈને રસ્તા સુધી ચાલી રહ્યો છે. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારને અદાણી ગ્રુપ સાથે કોઈ લેવાદેવા નથી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષી દળોએ હંગામો કરવાનું શરૂ કર્યું હતું. હોબાળા અને સૂત્રોચ્ચાર વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરતા પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. આરોગ્ય રાજ્યમંત્રીએ તેનો જવાબ પણ આપ્યો હતો પરંતુ વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિરોધ પક્ષોના સાંસદો કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોના સાંસદો ‘જેપીસી, જેપીસી…વી વોન્ટ જેપીસી’ અને ‘દેશને લૂંટવાનું બંધ કરો’ના નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે પણ સંસદમાં વિપક્ષી દળોએ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી હતી. વિપક્ષી દળોએ મોંઘવારી, બેરોજગારીસ BBC ડોક્યુમેન્ટ્રી અને ભારત-ચીન સીમા વિવાદ મામલે પણ સરકારનો ઘેરાવ કર્યો હતો. આ સાથે જ સરકારનું કહેવું છે કે વિપક્ષ જે પણ મુદ્દા પર ચર્ચા કરવા માંગ છે તેના માટે અમે તૈયારી છે.
રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના સાંસદોએ કાર્યવાહી શરૂ થતાં જ હંગામો મચાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામા વચ્ચે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ સામે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આક્ષેપોની ચર્ચા અને તપાસ માટે સંસદના બંને ગૃહોમાં માગણીને સતત ઉઠાવવા દબાણ કરવા કોંગ્રેસ અને અન્ય 15 વિપક્ષી પક્ષોના નેતાઓએ શુક્રવારે એક બેઠક યોજી હતી. સંસદ ભવનમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, ભારત રાષ્ટ્ર સમિતિ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ) અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષોએ અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની ચર્ચા કરવા અને આરોપોની તપાસ માટે સંસદના બંને ગૃહોમાં માંગ ઉઠાવવાનું ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળોએ સમગ્ર મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરી છે.