બોરસદ તા.11
બોરસદની દીપ હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરેલી પરિણીતાની પ્રસુતી બાદ અચાનક જ તબિયત લથડી હતી. આથી, તેને અન્ય હોસ્પિટલમાં લઇ જતાં સમયે મોત નિપજ્યું હતું. આથી, તેના પરિવારજનો રોષે ભરાયાં હતાં અને પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ બનાવથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા ખાતે રહેતા દિવ્યાબહેન દેવેન્દ્રકુમાર ઠાકોરના લગ્ન બાદ પ્રથમ પ્રસુતિ હોવાથી તેમને પિયરિયા કાવિઠા ગામે તેડી લાવ્યાં હતાં. તે દરમિયાન બુધવારે તેમને પ્રસવ પીડા ઉપડતાં બોરસદની ખાનગી દીપ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રાત્રિના સમયે તેમને દિકરાનો જન્મ આપતા પરિવારજનોમાં આનંદ વ્યાપ્યો હતો. પરંતુ આ આનંદ ક્ષણિક રહ્યો હતો. દિવ્યાબહેનને અચાનક રક્તસ્ત્રાવ વધી જતાં તબિયત લથડી હતી. આથી, ફરજ પરના ડોક્ટરે બે કલાક બાદ અન્ય હોસ્પિટલમાં લઇ જવા જણાવ્યું હતું. આથી, તેમના પિયરીયા તાત્કાલિક દિવ્યાબહેનને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તબીબે તેઓને તપાસતા જ મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ ઘટનાથી દિવ્યાબહેનના પરિવારજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી.
દિવ્યાબહેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, દિવ્યાબહેનને પ્રસુતી બાદ ડો.પ્રશાંત પટેલ હોસ્પિટલમાં રોકાવાના બદલે સ્ટાફને સોંપી ચાલ્યાં ગયાં હતાં. બાદમાં રક્તસ્ત્રાવ વધી જતાં ડોક્ટર હોસ્પિટલ આવ્યાં હતાં. પરંતુ તેઓની તબિયતની ગંભીરતા અંગે પરિવારજનોને કોઇ પણ પ્રકારની જાણ કરી નહતી. જ્યારે અન્ય હોસ્પિટલમાં રિફર કર્યા ત્યારે પણ ડો. પ્રશાંત પટેલે ખાનગી કે 108ની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવાના બદલે ખાનગી વાહનમાં દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવા ફરજ પાડી હતી. આથી, લોહી વહી જવાના કારણે દિવ્યાબહેનનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં મૃતકનાં પરિવારજનો દ્વારા હોબાળો કરી ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગેની જાણ બોરસદ શહેર પોલીસને કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દિવ્યાબહેનનો મૃતેદહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ અંગે બોરસદ પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બોરસદની હોસ્પિટલમાં પ્રસુતાના મોતથી હોબાળો
By
Posted on