નવી દિલ્હી: સંસદના (Parliament) બંને ગૃહો, લોકસભા (Lok Sabha) અને રાજ્યસભામાં (Rajya Sabha) આજથી રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા શરૂ થઈ હતી. જેમાં NEET પેપર લીક (NEET Paper Leak) મુદ્દે ચર્ચાની માંગ થઇ હતી. તેમજ વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો અને ખુબ હોબાળો મચાવ્યો હતો. જેના પરિણામે લોકસભા અને રાજ્યસભા બંને સભાઓ બે દિવસ સુધી એટલે કે સોમવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
પ્રાોપ્ત વિગતો મુજબ વિપક્ષ આજે શુક્રવારે સંસદના બંને ગૃહોમાં પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો. જ્યારે સરકાર વતી સુધાંશુ ત્રિવેદી રાજ્યસભામાં અને અનુરાગ ઠાકુર લોકસભામાં ચર્ચાની શરૂઆત કરવાના હતા. તે જ સમયે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે બંને ગૃહોમાં પેપર લીક પર ચર્ચાની માંગ કરી હતી. પરંતુ રાષ્ટ્રપતિના અભિવાદન પહેલા આ ચર્ચાનો વિરોધ થયો હતો. તેમજ વિપક્ષના મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભા અને રાહુલ ગાંધીએ લોકસભામાં આ ચર્ચાની તટસ્થ માંગ કરતા હોબાળો મચી ગયો હતો. માટે બંને સભાઓને ટુંક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા હોબાળો શાંત ન થતા સભાઓને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમના વિષય પર બોલવા માટે ઉભા થયા હતા, પરંતુ આ દરમિયાન વિપક્ષના સાંસદોએ સતત NEET પર ચર્ચાની માંગ કરી અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી, પરંતુ સ્પીકરે આ માંગની ફગાવી દીધી હતી. ત્યારે હંગામાને ધ્યાનમાં રાખીને સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
NEET પેપર લીક મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદો સાથે NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ. તેમજ આ માંગ બાદ લોકસભામાં હોબાળો થતા સભા સ્થગિત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ લોકસભામાં આ વાત કહી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં NEETનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે વિપક્ષના સાંસદો સાથે ચર્ચા કરવાની માંગ કરી હતી. ત્યારે સ્પીકર ઓમ બિરલાએ આગ્રહ કર્યો કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પહેલા ચર્ચા કરવામાં આવે. પરંતુ વિપક્ષના નેતાએ કહ્યું કે અમે વિપક્ષ અને સરકાર વતી ભારતના વિદ્યાર્થીઓને સંયુક્ત સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો ગણીએ છીએ. તેથી અમે વિચાર્યું કે વિદ્યાર્થીઓને સન્માન આપવા માટે આજે NEET વિશે ચર્ચા કરીશું.