સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા યોજાય તે પહેલાં હોબાળો મચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ નેતાઓને ‘હિન્દુવિરોધી’ ગણાવી ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા AAPના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના અગ્રણીઓની ટીમ મધરાતે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચી હતી.
- AAP અગ્રણીઓએ મધરાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ
ગોડાદરા વિસ્તારમાં ગુરુવાર સાંજે 8 વાગ્યે યોજાનારી આમ આદમી પાર્ટીની જાહેર સભા પહેલાં વિરોધનો માહોલ સર્જાયો છે. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે આવનાર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિરોધમાં વિવિધ હિંદુ સંગઠનો ખુલ્લેઆમ મેદાને ઉતરી આવ્યા છે.
બુધવાર સાંજે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ ગોડાદરા વિસ્તારમાં લગાવાયેલા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન નારેબાજી પણ કરવામાં આવી હતી. વિરોધ કરનારાઓનું કહેવું છે કે તેઓ “હિંદુ વિરોધી નેતા”ને તેમના વિસ્તારમાં આવવા નહીં દે.
વિરોધનું મુખ્ય કારણ આપ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો હોવાનું સામે આવ્યું છે. આ પોસ્ટરોમાં કાર્યક્રમના આમંત્રક તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” લખાયેલું છે અને પોસ્ટરો પર મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીરો દર્શાવવામાં આવી છે.
વિરોધકારીઓનો દાવો છે કે કાર્યક્રમનું સ્થળ હિંદુ બહુલ વિસ્તાર છે, ત્યારે આવા પોસ્ટરો લાગતા સ્થાનિક લોકોની ભાવનાઓ દુભાઈ છે અને તેથી વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પોસ્ટરો પર શાહી ફેંકવાની ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આવનારી જાહેર સભાને લઈ ગોડાદરા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
આપના ધર્મેશ ભંડેરીનો ભાજપ પર આક્ષેપ
આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીની જનસભા થવા જઈ રહી છે ત્યારે ભાજપ સાથે જોડાયેલ અમુક અસામાજિક તત્વોએ આમ આદમી પાર્ટીની જનસભાના બેનરોની કોપી મારી, પોતાની રીતે બેનરો બનાવી, અમારા નેતાઓના માથા પર ટોપી લગાવી લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા છે. આ વિસ્તારમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસ સાથે સોશિયલ મિડિયામાં ખુલ્લેઆમ ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે, એવી જ રીતે અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલીયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું.