શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની સગીર પુત્રીને સ્થાનિક બે મહિલાઓ અને એક પુરૂષ દ્વારા લલચાવી – ફોસલાવી સાથે લઈ જવામાં આવી હતી. બાદમાં સગીરાને નશાકારક સીરપ પીવડાવી તેણીને ઘેનમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણ્યા હિન્દુ યુવક સાથે સગીરાનાં લગ્ન કરાવવામાં આવ્યા હોવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક લોકોમાં આ વાતને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે ડીસીપી ડો. કાનન પણ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં પ્રાથમિક તબક્કે ઘટનાની માહિતી એકત્રિત કરવાની સાથો સાથ સગીરાના નિવેદનો લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સગીરાને લલચાવી ફોસલાવી લઈ જનારી ગેંગના ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના ક્રાંતિનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની આશરે 15 વર્ષીય સગીરાએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું, તેમના જ વિસ્તારમાં રહેતી નુરી તથા ફજજો નામની બે મહિલાઓ અને એક પુરુષ દ્વારા કેટરિંગના કામના બહાને લલચાવી ફોસલાવી તેણીને સાથે લઇ જવામાં આવી હતી. ત્યારબાદ તેણીને કોરેક્સ સીરપ પીવડાવી ઘેનમાં રાખવામાં આવી હતી.
દિવસમાં બેથી ત્રણ વખત તેણીને આ રીતે નશાકારક સીરપ પીવડાવવામાં આવતી હતી. જેને કારણે તે ઘેનમાં રહેતી હતી. આ દરમિયાન સગીરાનાં કોઈ અજાણ્યા પુરૂષ સાથે લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા. જો કે સગીરા જેમ તેમ પોતાના ઘરે પરત પહોંચી અને ત્યાર બાદ હિંચકારી ઘટના અંગે પોતાની માતા સમક્ષ વ્યથા ઠાલવી હતી. એટલું જ નહીં આ વાત કેટલાક સ્થાનિક અગ્રણીઓ પણ ખબર પડી હતી.
પીડિત સગીરાના કોઈ હિન્દુ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હોવાની વાતને લઈને સ્થાનિક અગ્રણીઓમાં રોષ ભભૂક્યો હતો અને મોડી રાત્રે તેઓ લિંબાયત પોલીસ મથકે પહોંચી ગયા હતા. આ સિવાય જયારે આ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ મથકના પીઆઇ કામલીયા સહિત પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો અને ડીસીપી ડો. કાનન દેસાઈ પણ તાતકાલિક લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓએ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને પોલીસને આ કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા અને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. પોલીસે આ કેસમાં હાલમાં બે મહિલા અને એક પુરૂષની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને સગીરાના નિવેદનો લઈને એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ટોળકી દ્વારા પીડિત સગીરાને બે વખત વેચવામાં આવી હોવાનો ઘટસ્ફોટ: પીઆઈ કાળિયા
તપાસમાં જોતરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પીડિત સગીરા આશરે 15 વર્ષની છે અને તેને અગાઉ પણ બે વખત વેચવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી એક વાર સગીરાને મહારાષ્ટ્રમાં વેચવામાં આવી હતી.
અલબત્ત, હાલમાં ફરિયાદ દાખલ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સગીરાને વેચનાર ગેંગની બે મહિલા અને પુરૂષની અટકાયત બાદ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.