Charchapatra

મતદારયાદી સુધારણાનું કાર્ય દેશના હિતમાં છે

દેશનાં બારેક રાજયો તથા સંઘ પ્રદેશોમાં મતદારયાદી સુધારણા (સર)નો અમલ કરાવવા સરકાર જઇ રહી છે. ગુજરાતમાં પણ આવી મતદારયાદી સુધારવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. આ કાર્યની પછવાડે એ જ હેતુ છે કે મતદારયાદીઓ સંપૂર્ણપણે અપડેટ કરી, ડયુપ્લીકેટ મતદારોને દૂર કરવાનો છે. એટલું જ નહિ પણ વિદેશી નાગરિકોને મતદારયાદીઓમાંથી દૂર કરીને, મતદારયાદીઓ ચોખ્ખી કરવામાં આવશે.

મતદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહિ, એ આ સરની પ્રક્રિયાથી સુનિશ્ચિત કરવામાં આવશે. બીજી પણ ઘણી ખામીઓ દૂર કરવામાં આવશે. આપણા દેશમાં ખાસ કરીને પાડોશી દેશ એવા બાંગલા દેશમાંથી ઘણાં વર્ષોથી ત્યાંનાં લોકો બિનકાયદેસર રીતે ઘુસતાં રહ્યાં છે. એમાંયે પશ્ચિમ બંગાળમાં આવાં બાંગલાદેશીઓ ખોટી રીતે ઘૂસણખોરી કરીને આધારકાર્ડ, રેશન કાર્ડ અને બીજી સરકારી જરૂરિયાતો ત્યાંના ભ્રષ્ટ રાજકારણીઓને કારણે, મેળવીને ખોટે-ખોટાં નાગરિકો બની ગયાં છે.

એ બિનકાયદેસર લોકો, મતદારો પણ બની બેઠા છે. પોતાને આવાં લોકો વોટ આપે અને ચૂંટણીઓમાં એમને જીતાડે એ માટે બિહાર તથા પશ્ચિમ બંગાળનાં રાજકારણીઓ આવાં બિનકાયદેસર લોકોને પનાહ આપતા રહ્યા છે. હવે જયારે મતદારયાદીઓ અપડેટ થઇ રહી છે ત્યારે આ દેશમાં ઘૂસેલા બિનકાયદેસર લોકોનો ભાંડો ફૂટશે જ.  આવાં ખોટાં વસાહતીઓને મતદાન કરવાનો તો શું પણ અહિંયા રહેવાનો પણ અધિકાર ના હોવો જોઈએ. માટે સરકારના યાદીઓ સુધારણાના આ કાર્યને સૌએ ટેકો આપવો જોઈએ. આ કાર્ય કરીને સરકાર કશું જ ખોટું કરતી નથી. જેના પેટમાં આ યાદી સુધારણાથી તેલ રેડાતું હોય તો ભલે રેડાયા કરે SIR, આગળ વધવું જ જોઈએ.
કતારગામ દરવાજા, સુરત – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top