એક દિવસ ગુરુજીએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમારું આ આશ્રમમાં છેલ્લું વર્ષ છે. હવે થોડા જ મહિનાઓમાં તમે તમારી શિક્ષા પૂર્ણ કરી બહારની દુનિયામાં જશો.જ્યાં તમારે આગળ વધવા, જીવનમાં ઉપર ઊઠવા માટે સતત કાર્યરત રહેવું પડશે.આશા રાખું છું કે અહીંથી પ્રાપ્ત જ્ઞાન તમને મદદરૂપ થશે.મારો એક ખાસ પ્રશ્ન છે કે અહીં આ આશ્રમથી તમે બહાર નીકળશો અને કોઈ ને કોઈ પ્રવૃત્તિ શરૂ કરશો.નવું જીવન શરૂ કરશો, કુટુંબીજનોને મળશો અને મારી એક વાત યાદ રાખજો, હંમેશા જીવનમાં સતત આગળ વધવા અને ઉપર ઊઠવા માટે જ તત્પર રહેજો.
ચાલો, મને જણાવો કે તમે અહીંથી બહાર નીકળી આગળ વધવા શું કરશો?’ બધા શિષ્યો એક પછી એક જણાવવા લાગ્યા કે ‘અમે ઘરે જઈશું.’ ‘કુટુંબીજનોએ મળીશું.’‘કામ શરૂ કરીશું’‘પિતાનો વેપાર સંભાળીશ.’ ‘રાજાના દરબારમાં સ્થાન મેળવીશ’-‘નવી જમીન ખરીદીશ’-‘સમાજની સેવા કરીશ’……આવું ઘણું બધું બધાએ કહ્યું.ગુરુજી બોલ્યા, ‘બરાબર, તમે બધાએ જીવનમાં હવે આગળ શું કરવું છે તે વિચારી લીધું છે.સારું, હવે મારા બીજા પ્રશ્નોનો જવાબ આપો કે જીવનમાં જ્યાં છો ત્યાંથી ઉપર ઊઠવા શું કરશો?’
એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, જીવનમાં જ્યાં છીએ ત્યાંથી ઉપર ઊઠવા પૈસા જોઈએ.પૈસા હોય એટલે સ્થાન ઊંચું…એટલે વધુ ને વધુ પૈસા કમાવાનો પ્રયાસ કરીશું.’બીજા શિષ્યે કહ્યું, ‘ગુરુજી, જેટલી તાકાત વધારે એટલો તમારો મોભો મોટો..જીવનમાં ઉપર ઊઠવા માટે વધુ ને વધુ શારીરિક તાકાત મેળવવી જરૂરી છે.તાકાતવરને કોઈ નીચે પછાડી શકતું નથી.’ત્રીજા શિષ્યે કહ્યું, ‘જીવનમાં ઉપર ઊઠવા એક જ હથિયાર છે રાત દિનની મહેનત ..જેટલી વધુ મહેનત કરીશું તેટલા આગળ વધી શકીશું…એટલા આગળ વધીને સફળ થશું એટલા ઉપર ઊઠીશું.’ચોથા શિષ્યે કહ્યું, ‘જીવનમાં ઉપર ઊઠવા દુન્યવી રસ્તા પરથી અધ્યાત્મના રસ્તા પર આગળ વધવું એટલે જીવન થોડું ઉપર ઊઠે.’પાંચમા શિષ્યે કહ્યું, ‘સમાજની સેવા કરવાથી તમારું સન્માન વધે એટલે ઉપર ઊઠવા માટે સમાજસેવા વધુ ને વધુ કરવી જોઈએ.
બધાના જવાબ સાંભળીને ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમારા બધાની વાત ખોટી છે તેમ નહિ કહું, પણ હું એક એવી વાત કહીશ કે જેમાં વધુ કંઈ કર્યા વિના તમે ઉપર ઊઠી શકશો.પંખીઓને ઉપર ઊઠવા પાંખ જોઈએ,પણ માણસ તરીકે આપણને ઉપર ઊઠવા તેની પણ જરૂર નથી.માણસ તરીકે ઉપર ઊઠવા માટે જરૂર છે માત્ર નમવાની …વિનમ્ર બનવાની …સૌમ્ય વાણી બોલવાની…યાદ રાખજો, તમે જેટલા નીચા નમશો,જેટલું અન્યને માન આપશો,જેટલી વિનમ્રતા જાળવશો ,બીજાને આદર આપશો એટલા તમે ઉપર ઊઠતાં જશો.માટે જે પણ બનો ,જે પણ કરો ,નમ્ર રહેજો-શાલીનતા જાળવજો -ક્રિયાશીલ રહેજો.’ગુરુજીએ સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે