National

UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા

NCR વિસ્તારમાં શિયાળાની ગાઢ ધુમ્મસે ફરી એકવાર માર્ગ સુરક્ષાને ગંભીર અસર પહોંચાડી છે. આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક છથી વધુ વાહનો ભયાનક રીતે અથડાયા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત બંબાવાડ બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોવાથી દૃશ્યતા અત્યંત ઓછી હોવાના કારણે વાહનચાલકોને આગળનું માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યું નહોતું. આ દરમિયાન એક વાહન અચાનક આગળ ઉભેલા વાહન સાથે અથડાયું અને ત્યારબાદ પાછળથી આવતાં અન્ય વાહનો એક પછી એક ટક્કર મારતા ગયા. જેના કારણે મલ્ટિપલ વાહન અકસ્માત સર્જાયો હતો.

પોલીસ અને ઈમર્જન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી હતી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઈમર્જન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં સામેલ તમામ વાહનોને એક્સપ્રેસ વે પરથી દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અનેક કાર અને ટ્રક એકબીજા સાથે અથડાયેલા નજરે પડે છે. વીડિયોમાં પોલીસ કર્મચારીઓ અને બચાવ ટીમો ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવતા અને ટ્રાફિક કંટ્રોલ કરતા દેખાઈ રહ્યા છે.

ઘાયલ ડ્રાઈવરનું નિવેદન
એક ઘાયલ ડ્રાઈવરે જણાવ્યું કે “ધુમ્મસ એટલું ગાઢ હતું કે આગળ કંઈ પણ દેખાતું નહોતું. અચાનક મારી કાર આગળ ઉભેલા વાહન સાથે અથડાઈ ગઈ અને તરત જ પાછળથી આવતાં અનેક વાહનો એક પછી એક ટક્કર મારતા ગયા.”

પોલીસની અપીલ
પોલીસે વાહનચાલકોને શિયાળાના સમયમાં ધુમ્મસ દરમિયાન ખાસ સાવચેતી રાખવા, ધીમી ગતિએ વાહન ચલાવવા અને ફોગ લાઈટ્સનો યોગ્ય ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top