ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની (Akhilesh Yadav) જાહેરસભામાં જોરદાર હંગામો થયો હતો. આ દરમિયાન ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાંખ્યા હતા. નાસભાગમાં અનેક લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર છે.
પ્રયાગરાજમાં રાહુલગાંધી અને અખિલેશ યાદવની ઇન્ડી ગઠબંધનની જાહેરસભામાં સ્થળ પર નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો. બંને નેતાઓ મંચ પર આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મંચ સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર હતો કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. હંગામામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
યુપીના પ્રયાગરાજમાં ઈન્ડી એલાયન્સની જાહેર સભામાં નાસભાગ મચી ગઈ હતી. ફુલપુર લોકસભા સીટ પર રાહુલ અને અખિલેશની સંયુક્ત જાહેર સભા યોજાઈ હતી પરંતુ ભાષણ શરૂ થાય તે પહેલાં જ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અખિલેશ યાદવ આવતાની સાથે જ કાર્યકર્તાઓ બેકાબૂ બની ગયા હતા અને બેરિકેડ તોડીને સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
નાસભાગને કારણે મીડિયાકર્મીઓના કેમેરા અને સ્ટેન્ડ તૂટી ગયા હતા. લોકો બેકાબૂ બનવાને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ફુલપુરના પંડિલામાં આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને બગડતા જોઈ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ કોઈ ભાષણ આપ્યા વિના જ નીકળી ગયા હતા.