યુપીના (UP) હાથરસમાં (Hathras) ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે સૂરજપાલ સિંહના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 122 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે અને ભોલે બાબા ઉર્ફે સૂરજપાલ સિંહે પણ આગળ આવીને પોતાનું નિવેદન આપ્યું છે. દરમિયાન આ ઘટનાનો પડઘો યુપી બાદ હવે બિહાર સુધી પહોંચ્યો છે. ભોલે બાબા વિરુદ્ધ પટના સિવિલ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મોટી ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં એક કેસ નોંધાઈ ચૂક્યો છે. પોલીસ અને SITની ટીમ ઘટનાના દરેક મુદ્દાની તપાસ કરી રહી છે. હવે પટના કોર્ટમાં કેસ નોંધાયા બાદ ભોલે બાબાની મુશ્કેલીઓ વધી શકે છે.
જણાવી દઈએ કે 2 જુલાઈના રોજ હાથરસમાં સ્વયંભૂ સંત અને ઉપદેશક નારાયણ સાકર હરિ ઉર્ફે ‘ભોલે બાબા’ના સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 122 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સામેલ હતા. આ ઘટના બાદ સમગ્ર દેશ ચોંકી ગયો હતો અને આ દર્દનાક ઘટના બાદ યુપીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, સત્સંગમાં માત્ર 80 હજાર લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સત્સંગમાં 2.50 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા.
ઘટનાના ચાર દિવસ પછી બાબા સામે આવ્યા
FIR મુજબ સત્સંગ આયોજકોએ પુરાવા છુપાવીને અને બાબાના અનુયાયીઓનાં ચપ્પલ અને અન્ય સામાન નજીકના ખેતરોમાં ફેંકીને કાર્યક્રમમાં હાજર લોકોની વાસ્તવિક સંખ્યા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ ઘણા ભક્તો ભોલે બાબાની ચરણ રજ લેવા તેમની કાર તરફ દોડ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. લોકોમાં એવી માન્યતા હતી કે બાબાની ચરણ રજથી તેમની તમામ બીમારીઓ દૂર થઈ શકે છે, અકસ્માત બાદ ભોલે બાબા ફરાર થઈ ગયા હતા અને ચાર દિવસ પછી બાબાએ પોતાનું નિવેદન આપ્યું હતું.