Columns

જીવનની છેલ્લી ક્ષણ સુધી

એક સંતનો નાનકડો આશ્રમ હતો. સંત પોતાના થોડા શિષ્યો સાથે ત્યાં રહેતા અને રોજ સત્સંગ કરતા. શિષ્યોને જીવનની સાચી રીતનો ઉપદેશ આપતા. સંતના આશ્રમમાં એક વૃદ્ધા રોજ દૂધ આપવા આવતી, ભક્તિભાવથી સંતના ચરણમાં દૂધ અર્પણ કરતી. પછી ધીમેથી એક પ્રશ્ન પૂછતી, ‘મહારાજ, મને એક પ્રશ્નનો જવાબ આપો કે તમારી દાઢી સફેદ કે મારા વાછરડાનું પૂંછડું?’  વૃદ્ધા રોજ આ પ્રશ્ન પૂછે. સંત ચૂપચાપ પ્રશ્ન સાંભળી રહે પણ કોઈ દિવસ જવાબ ન આપે. માત્ર મંદ મુસ્કાન આપી ચૂપ રહે. એક વખત શિષ્યોએ સંતને પૂછ્યું, ‘ગુરુજી, આપ આ વૃદ્ધાના પ્રશ્નનો જવાબ શું કામ નથી આપતા? તમે શું કામ કહી દેતા નથી કે મારી દાઢી વધુ સફેદ છે.’  સંત સમજુ હતા. શિષ્યોની અધીરાઈને પણ સમજતા હતા અને વૃદ્ધાના પ્રશ્નના ઊંડાણને પણ સમજતા હતા. તેમણે શિષ્યોને જવાબ આપ્યો, ‘વૃદ્ધાનો પ્રશ્ન હું સમજુ છું. તેનો જવાબ હું યોગ્ય સમયે આપીશ.’

 વૃદ્ધા રોજ દૂધ લાવતી. રોજ તે એક જ પ્રશ્ન સંતને પૂછતી કે ‘મહારાજ, તમારી દાઢી સફેદ કે મારા વાછરડાનું પૂછડું?’સંત કોઈ જવાબ ના આપતા. આમ ને આમ મહિનાઓ અને વરસો પસાર થયાં. સંતની ઉંમર ઘણી વધી. તેઓ બીમાર પડ્યા.  હવે તેમના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. વૃદ્ધાનો નિયમ અખંડ હતો. તે રોજ દૂધ લઈને આવતી. સંતનાં દર્શન કરતી. આજે પણ આવી વૃદ્ધાએ સંતને દૂધ અર્પણ કર્યું. સંતના હાથમાં માળા હતી. આજુબાજુ શિષ્યો અને ભક્તોનું વૃંદ હતું. સંતે દૂધ પી લીધું. વૃદ્ધાએ આજે પણ આંખો દ્વારા જ રોજનો પ્રશ્ન પૂછ્યો. દૂધ પીને સંત બોલ્યા, ‘માજી, આજે તમારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. માજી, મારો જવાબ છે કે તમારા વાછરડા કરતાં મારી દાઢી સફેદ.’

 શિષ્યોને નવાઈ લાગી કે આટલા દિવસોમાં સંતે કોઈ જવાબ આપ્યો નહીં અને આજે જીવનની અંત ઘડીએ જવાબ આપ્યો. શિષ્યોના મનોભાવ પારખી લઈને સંત બોલ્યા, ‘શિષ્યો, મેં આ જવાબ જીવનની છેલ્લી ઘડીમાં આપ્યો છે કારણ સંસારજીવન કે તપસ્વી જીવન બંને ડાઘ વિના પસાર કરવા ખૂબ અઘરા છે. વ્રત, તપ, નિયમ, વેદ, જ્ઞાન, અભ્યાસ છતાં કોઈ એકાદ નબળી ક્ષણમાં ભૂલ કે પતન થઈ જવાનું સંભવ હોય છે માટે જીવનની છેલ્લી ક્ષણ સુધી સાચવીને રહેવું જોઈએ. જીવનની કોઈ પણ ક્ષણે દાઢીમાં ધૂળ પડે કે ડાઘ લાગવાનો સંભવ રહે છે પણ આજે મેં મારી દાઢી સફેદ એ જવાબ આપ્યો છે કારણ કે મારા જીવનની છેલ્લી ક્ષણો છે અને હવે મને કોઈ ડાઘ લાગવાનો ભય નથી.’જીવનના અંત સમયે પણ સંતે શિષ્યોને જીવનમાં દરેક પળે જાગ્રત રહેવાનો સંદેશ આપ્યો.     
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top