સુરત(Surat) : તાપમાનમાં એકાએક વધારો થવા સાથે ઠંડીમાં (Cold) ઘટાડો થયો છે, તો બીજી તરફ એકાએક શુક્રવારે મધરાત્રે સુરત જિલ્લાના કેટલાંક ગામોમાં વરસાદ (Unseasonal Rain) વરસ્યો હતો. જેના લીધે ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાયા હતા. જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામોમાં માવઠું પડ્યું હતું. અહીંના કીમ, કઠોદરા, કુડસદ, સાંધિયેર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. એકાએક વરસાદ વરસતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
- સુરતના ઓલપાડ જિલ્લા અનેક ગામોમાં વરસાદ વરસ્યો: કીમ, કઠોદરા, કુડસદ, સાંધિયેર સહિતના ગામોમાં માવઠું પડ્યું
- કપાસ, તુવેર અને મગ સહીતના ઉભા પાકને નુકસાનીને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેનાલોમાં ગાબડા બાદ કમોસમી વરસાદને પગલે ખેડૂતો પાઈમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું
- દરિયા કાંઠામાં પ્રતિ કલાક 40થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને લઇ માછીમારોને દરિયો નહી ખેડવા સુચના અપાઈ
છેલ્લાં પંદેરક દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી હતી. રાજ્યના 10થી વધુ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયો હતો. જોકે, છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તાપમાનમાં વધારો થવા સાથે ઠંડી ઘટી છે, પરંતુ ફરી એકવાર શુક્રવારની રાત્રિએ વાતાવરણ બદલાયું હતું. રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ વરસ્યો હતો.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. એકાએક કમોસમી વરસાદ વરસતાં સુરત જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શુક્રવારની રાતના વરસાદથી તો વધુ નુકસાન નહીં થાય પરંતુ હજુ બે ત્રણ દિવસ વરસાદ પડશે તો પાકને નુકસાનની ભીતિ રહેલી છે. કારણ કે હાલ ખેતરોમાં ડાંગરનો પાક છે. ડાંગરને વરસાદથી વધુ કોઈ નુકસાન થતું નથી. વળી, વરસાદ માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં જ વરસાદ વરસ્યો હોવાથી હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ચિંતા નથી.
કમોસમી વરસાદના લીધે જંબુસર અને વાગરાની કેનાલોમાં ગાબડાં પડ્યા, ખેડૂતોના પાકને નુકસાન
ભરૂચના જંબુસર અને વાગરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જંબુસર અને વાગરા તાલુકામાં વહેલી સવારે વીજળી અને પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે સમગ્ર બંને તાલુકામાં મોટા પાયે કપાસ, તુવેર અને મગ સહીતના ઉભા પાકને નુકસાનીને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેનાલોમાં ગાબડા બાદ કમોસમી વરસાદને પગલે ખેડૂતો પાઈમાલ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
બીજી તરફ દરિયા કાંઠામાં પ્રતિ કલાક 40થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને લઇ માછીમારોને દરિયો નહી ખેડવા સુચના અપાઈ છે. ઉલ્લેખનીય બાબતએ છે કે, ભરૂચ જિલ્લાના બે તાલુકામાં ખાબકેલા કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ભાવનગર, પંચમહાલ, ગોધરા, સૌરાષ્ટ્ર, વડોદરામાં પણ વરસાદ વરસ્યો
રાજ્યના અનેક જિલ્લાઓમાં શુક્રવારની રાત્રે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મધરાતથી વડોદરાના સાવલી અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર, પંચમહાલ અને ગોધરામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સિવાય અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક ગુલાબી ઠંડીની સાથે વહેલી સવારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
હવામાન વિભાગની 28મી જાન્યુઆરી સુધી માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં 28 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. કારણ કે હાલમાં સર્જાય રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજસ્થાનની પશ્ચિમથી 52°E લોંગીટ્યુડ થી 24°N લોંગીટ્યુડ પૂર્વ તરફ ધપી રહ્યું છે. તેથી આગામી બે દિવસમાં અરબી સમુદ્ર પરથી મહત્તમ ભેજનું વહન થઈ શકે છે ત્યારે બીજી તરફ હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણ પૂર્વ બંગાળના અખાત પર લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે અને આગામી બે ત્રણ દિવસમાં વેલમાર્કડ લો પ્રેશર સિસ્ટમ માં પરિવર્તિત થઈ જશે.