ગઈકાલે ગુજરાતમિત્ર પોર્ટલ ઉપર જેનો ઉલ્લેખ થયેલો એ આશંકા સાચી પડી
મંગળવાર, તા. ૧૦ ફેબ્રુઆરી: ગતરોજ નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દોઢ-બે મહિના છેટી દેખાય છે ત્યારે હાઈકમાન્ડે લગભગ તમામ જૂથોને સાચવી લેતા સંયોજનવાળું સંગઠન જાહેર કર્યું હતું. ગઈકાલે સામાન્ય કાર્યકરોથી માંડીને નેતાઓમાં પણ સંગઠન બાબતે સ્વીકારની લાગણી જોવા મળી હતી. પણ આજરોજ નવસારી, કમલમ ખાતે નવા નિયુક્ત થયેલા ચાર પદાધિકારીઓનાં રાજીનામા આવી પડતા નવસારી જીલ્લામાં ‘સબ સલામત’વાળી વાત ખોટી ઠરી છે.
ગૂંચ કયા મુદ્દે પડી?
ગઈકાલે ગુજરાતમિત્ર પોર્ટલ ઉપર કેટલાક સૂત્રો દ્વારા મળતી માહિતી ટાંકીને જણાવાયું હતું કે નવસારીના કાર્યકરોમાં ક્યાંક છાનેખૂણે અસંતોષની લાગણી છે. આ અસંતોષને કારણે આગનો તણખો ઝરશે કે ઘીનાં ઠામમાં ઘી પડી રહેશે, એ આવનારો સમય કહેશે. જો કે બીજે જ દિવસે, એટલે કે આજે જ નવનિયુક્ત ચાર પદાધિકારીઓના રાજીનામા આવી પડતા હવે અસંતોષ ખૂલીને બહાર આવ્યો છે.
આજ રોજ જલાલપોર વિસ્તારમાંથી નિમાયેલ પદાધિકારીઓ અશોકભાઈ પટેલ (ઉપપ્રમુખ), વિજયભાઈ પટેલ (મહામંત્રી – બક્ષીપંચ મોરચો) અને પ્રકાશભાઈ પટેલ (મહામંત્રી – કિસાન મોરચો) અને ચેતનાબેન પટેલ (મંત્રી) એ નવસારીના કમલમ કાર્યાલય ખાતે પહોંચીને મીડિયાની હાજરીમાં પોતાના રાજીનામા આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા એમણે જણાવ્યું કે ધારાસભ્ય આર. સી. પટેલે સતત 1998થી જીવ રેડીને મહેનત કરી છે અને જલાલપોર વિસ્તારને કોન્ગ્રેસમુક્ત રાખવામાં સફળતા મેળવી છે. પરંતુ સંગઠનમાં જે પ્રકારે નિમણુક થઈ છે, એ બાબતે જલાલપોરના કાર્યકરોમાં અસંતોષ છે. આથી અમે ચાર જણ સંગઠનના પડો ઉપરથી રાજીનામું આપી રહ્યા છીએ. પક્ષના કાર્યકર તરીકેની તમામ ફરજો બજાવતા રહીશું.
જાણકારોના મત મુજબ કાર્યકરોના અસંતોષ પાછળ સંગઠન મહામંત્રીનું પદ રહેલું છે. જીલ્લાના ત્રણ મહામંત્રીઓ પૈકી જલાલપોરમાંથી કોઈ પસંદગી નથી થઈ. આગામી દિવસોમાં હીજી વધુ રાજીનામાં પડશે એવી વકી છે. નોંધનીય બાબત એ છે કે જીલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ રાજસ્થાન ગયા હોવાથી હાજર નહોતા, પરંતુ જલાલપોરના કાર્યકરોએ રાજીનામા આપ્યા એ સમયે અન્ય કોઈ પદાધિકારીઓ પણ કમલમ પર દેખાયા નહોતા.