નવસારી નજીક આવેલા ઉન હાઇવે પર સર્વિસ રોડ પર આવેલી વિલેજ ટેસ્ટ રેસ્ટોરન્ટ પરવાનગી વિના જ શરૂ થઈ ગયા બાદ ઉનના તલાટીએ ગેરકાયદે શરૂ થયેલી હોટલ અંગે નવસારી મામલતદારને જાણ કરી છે. નવસારી નજીક ઈન ગામે હાઇવે નજીક આવેલા સર્વિસ રોડ પર સરકારી જમીનમાં વિલેજ ટેસ્ટ હોટલ શરૂ થઇ ગઇ હતી. જો કે એ અંગે વહીવટી તંત્ર સાવ ઊંઘતું ઝડપાયું હતું. આ હોટલ બાંધવા માટે કોઇ પણ જાતની પરવાનગી લેવાઇ ન હતી, છતાં તંત્ર મૌન ધારણ કરી બેઠું હતું. આ અંગે ગુજરાત મિત્રે હેવાલ પ્રકાશિત કરતાં આખરે તંત્રે આ દિશામાં સળવળાટ કર્યો છે.
ઉનના તલાટીએ નવસારી મામલતદારને વિલેજ ટેસ્ટ હોટલ પરવાનગી વિના જ શરૂ કરી દેવાઇ હોવાની જાણ કરી છે. એ સાથે જ હવે આ હોટલ અંગે તપાસ શરૂ થશે. વિલેજ ટેસ્ટ નામની આ રેસ્ટોરન્ટ ઉપર કોના આશીર્વાદથી ચાલુ થઇ છે, તેની તપાસ કરવાની જરૂર છે. વિલેજ ટેસ્ટ રેસ્ટોરન્ટ શરૂ થવા પાછળ કોના આશીર્વાદ છે, તેની તપાસ જરૂરી છે. ક્યાંક એવું તો નથી ને કે કોઇ મોટું માથું જ આ ટેસ્ટ પાછળનો અસલી ટેસ્ટ છે. આ અંગે તપાસ જરૂરી છે, નહીં તો આવા અનેક સાહસો અહીં આસપાસ બની જશે તો મહામૂલી જમીન પર સરકારની આવક થવાને બદલે લોકોની આવક જ વધતી રહેશે.
મામલતદાર પગલાં ક્યારે ભરશે ?
ઉનના તલાટીએ નવસારી મામલતદારને હોટલ વિલેજ ટેસ્ટ અંગે જાણ કરી છે. હવે મામલતદાર ક્યારે તપાસ કરે તે ઉપર સૌની નજર છે. વિલેજ ટેસ્ટ હોટલ સરકારી જમીનમાં ઊભી થઈ ગઈ. જમીનનો હેતુફેરનો પણ કેસ બને છે. આ અંગે મામલતદાર તપાસ કરી કસુરવારોને સજા કરે એ જરૂરી છે.