SURAT

સુરતમાં અનલોક થતા જાણે કોરોના લોક થઇ ગયો: બગીચા સહિત જાહેર સ્થળોએ લોકોનો જમાવડો

સુરત: શહેર (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) પૂર્ણ થવાને આરે આવી ચૂકી છે. કોરોનાનું સંક્રમણ પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનલોક (Unlock)ની જાહેરાત કરવામાં આવતાં જ સુરતમાં પણ થિયેટર, જીમ, મંદિરો તેમજ હોટલ-રેસ્ટોરન્ટ અને બાગ-બગીચા (garden) લોકો માટે ખોલી નાખવામાં આવ્યાં છે.

હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે આજે શરૂ થયેલા બાગ-બગીચામાં બાળકો અને મહિલાઓએ વેકેશનમાં રમવાની મજા માણી હતી. આ ઉપરાંત આજથી જીમ પણ શરૂ થઈ જવાને કારણે વહેલી સવાર અને સાંજે જીમમાં પણ લોકોની હાજરી જોવા મળી હતી. જીમની સાથે અખાડા પણ આજથી શરૂ થઈ ગયા હતાં. બીજી તરફ આજથી મંદિરો પણ ખુલ્લા મુકવામાં આવ્યા હોવાથી સુરતના મોટાભાગના મંદિરોમાં પણ ભક્તોની ભીડ ઉમટી હતી. જોકે, મંદિરોમાં ભક્તોને માટે માત્ર દર્શનની જ મંજૂરી આપવામાં આવી હતી. મંદિરોમાં પ્રસાદ કે અભિષેક કરવા પર હજુ પણ પ્રતિબંધ જ મુકાયેલો છે. કોરોના હજુ ગયો નથી, જેથી આ અનલોકની સ્થિતિમાં પણ લોકોએ માસ્ક પહેરવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે જ સરથાણા નેચરપાર્કની 217 લોકોએ મુલાકાત લીધી, એક્વેરિયમમાં 50ના સ્લોટની સામે 50 આવ્યા

મનપા દ્વારા શુક્રવારથી સરથાણા નેચરપાર્ક, એક્વેરિયમ અને સિટીબસો શરૂ થતા જ શહેરીજનો જાહેર સેવાઓનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. પહેલા જ દિવસે સરથાણા નેચરપાર્કમાં 217 લોકો આવ્યા હતા. તેમજ એક્વેરીયમમાં પણ પહેલા દિવસે 50ના સ્લોટ સામે 50 લોકોએ બુકીંગ કરાવી લીધું હતું. તેમજ આવતીકાલ માટે પણ 35 લોકોનું બુકીંગ થઈ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરથાણા નેચરપાર્કમાં 217 લોકોની વિઝીટ થકી મનપાને 1990 રૂપિયા અને એક્વેરીયમમાં મનપાને 6920 રૂપિયાની આવક થઈ છે. તેમજ જાહેર બાગ-બગીચાઓમાં પણ લોકો આવ્યા હતા.

સિટી બસમાં એક જ દિવસમાં 21 હજાર લોકોએ મુસાફરી કરી

આજથી સિટીબસના 3 રૂટ પર 44 બસ શરૂ થતાં જ કુલ 2100 મુસાફરોએ સિટીબસમાં મુસાફરી કરી હતી. બીઆરટીએસના રૂટ તબક્કાવાર શરૂ થતાં આજદિન સુધીમાં 40,000 લોકોએ તેમાં મુસાફરી કરી છે.

બે દિવસ વીકએન્ડને કારણે હોટલ-રેસ્ટોરન્ટ અને બગીચા ઉભરાવાની સંભાવના

આજથી શરૂ થયેલા હોટલ-રેસ્ટોરન્ટ, જીમ અને બાગ-બગીચામાં પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ કાલથી બે દિવસ વીકએન્ડ હોવાને કારણે બાગ-બગીચા ઉભરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. લાંબા સમય બાદ લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં જમવાની અને સાથે સાથે બગીચાથી માંડીને જાહેર પ્રકલ્પોમાં ફરવાની મંજૂરી મળી છે ત્યારે હાલમાં વેકેશનના સમયમાં લોકો તેને પુરો લાભ લે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Most Popular

To Top