ભારતની અનેક પ્રજાને એકસરખા કાયદા અને એકસરખા બંધારણીય જીવનમૂલ્યો સાથે જીવવું નથી અને તેમને પોતાનું નોખાપણું કે પોતાપણું જાળવી રાખવું છે. આદિવાસીઓ પોતાના અલગ કાયદાઓનું પાલન કરે અને તે જાળવી રાખવાનો આગ્રહ કરે. પેટા અસ્મિતાના નામે અલગ રાજ્યની માગણી કરે. કોઈ વળી દેશના કાયદા કરતાં જ્ઞાતિના કાયદાઓને કે રિવાજોને સર્વોપરિ ગણે. કાશ્મીરીઓ આર્ટિકલ 370 અને સ્વાયત્તતાનો આગ્રહ કરે. કોઈ પણ જાતિ ધારે ત્યારે પોતાને પછાત જાહેર કરીને અનામતની જોગવાઈની માંગણી કરે.
શીખોની ધર્મપીઠ અકાલતખ્ત ભારતના રાષ્ટ્રપતિ દેશના ગૃહ પ્રધાન પંજાબના એકથી વધુ અરજી-માજી મુખ્ય પ્રધાન અને બીજા બે ડઝન નેતાઓને ધર્મદ્રોહ કે શીખકોમ સાથે દ્રોહ માટે અપમાનજનક શિક્ષા કરે એ સેક્યુલર લોકતાંત્રિક દેશ માટે કલંક છે. વહોરાઓના ધર્મગુરુ દાઉદી વ્હોરાઓ ઉપર સમાંતરે શાસન કરે તેમને શિક્ષા કરે. નાગરિકને તેની અંગત સ્વતંત્રતા હોવી જોઈએ. આ તેનો અધિકાર છે. એમાં તેનું ગૌરવ રહેલું છે અને ગૌરવ જાળવવા તો અધિકાર છે અને રાજ્યની ફરજ પણ છે. પણ ધર્મગુરુઓ કે જાતિના ઠેકેદારો સમાંતરે ચોક્કસ પ્રજા પર રાજ કરે. ચૂંટણી જીતવા માટેના અને સત્તા માટેના સંસદીય રાજકારણે પોતાપણાને નામે નોખાપણાને પ્રોત્સાહન આપ્યું છે.
દેશની એકતા અને અખંડિતતાના મહાન યજ્ઞમાં બાધા ન ખાય? આમાં સામે પ્રબુદ્ધ નાગરિક સમાજની પણ એક ભૂમિકા રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સથી લઈને દક્ષિણમાં દ્રવિડ મુનેત્ર કળગમ અને મહારાષ્ટ્રમાં શિવસેનાથી લઈને મણીપુરમાં નેશનલ પીપલ્સ પાર્ટી સુધીના સેંકડો પક્ષો અસ્તિત્વમાં આવ્યા તે બધા પક્ષો કોંગ્રેસના રાજમાં રાષ્ટ્રીય એકતાના છૂપા એજન્ડાનો વિરોધ કરવા પેદા થયા હતા. ભારતનો પ્રત્યેક નાગરિક માત્ર બંધારણ દ્વારા શાસિત હોવો જોઈએ. દેશની એક રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ. એક સરખી રાષ્ટ્રીય નિષ્ઠા હોવી જોઈએ. વાચાળતા અને ઘોંઘાટ છીછરા દેશપ્રેમનો સ્થાયી ભાવ છે.
સુરત -જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અંત્યોદય અને સર્વોદય
માનવસમાજમાં સૌ કોઈનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સર્વોદય થઈ શકે અને આ માટે છેવાડાની વ્યક્તિનો પણ સમાવેશ થયો હોય ત્યારે અંત્યોદય પણ બની જ રહે છે. ગાંધીજી અને વિનોબાજીની માનવતાવાદી વિચારધારા તેવું દર્શાવે છે. ભારત હાલમાં વિકાસપંથી દેશ છે. એકસો બેંતાળીસ કરોડની વસ્તીમાં જ્યારે એક્યાસી કરોડ નિર્ધનો દયાદાન સ્વરૂપ સરકારનું મફત અનાજ મેળવનારાં હોય, તો એકસો બેંતાળીસ કરોડમાંથી તેટલી બાદબાકી થઈ ગયા પછી પણ બાકીના સાંઠ કરોડ નાગરિકો કંગાળ છે, એટલે કુલ મળી આખો દેશ અભાવ અને ગરીબીમાં સબડે છે. જો કે મધ્યમવર્ગી ગણાતાં લોકો નોકરીઓ અને નાના વેપાર ઉદ્યોગ પર જીવન નિર્વાહ કરે છે. પશ્ચિમના દેશોની તુલનામાં ભારત દેશ ગરીબી હેઠળ જીવે છે. ભારતમાં અંત્યોદય કે સર્વોદયની પરિસ્થિતિ નહીં સર્જાય ત્યાં સુધી અર્થતંત્રને અગ્રક્રમનું ગર્વીલું સ્થાન નહીં મળે. આપઘાતો, લૂંટફાટ, ચોરી, ભ્રષ્ટાચાર, કુકર્મો, ભેદભાવો, હિંસાચાર, અન્યાય, અસત્ય, નફરતનો સિલસિલો ચાલુ જ રહેશે, ભલે ને ભારતમાં ગણતંત્રના ગુણગાન ગવાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.