સુરત: કોરોના સંક્રમણ દરમિયાન પાન-માવો ખાઇને જાહેરમાં થૂંકનારાઓથી નિર્દોષ વ્યક્તિઓને સંક્રમણના ભોગ નહીં બનવું પડે એ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના ચાર વિદ્યાર્થીએ અનોખી સ્પીટિંગ બેગ એટલે કે થૂંકદાન બનાવી છે. આ બેગમાં થૂંક ગણતરીની સેકન્ડમાં સુકાઈ જાય છે અને સુગંધ ફેંકે છે. માત્ર 3 રૂપિયાની કિંમતની આ બેગમાં થૂંક્યા બાદ પણ તેને વાળીને ખિસ્સામાં મૂકી સરળતા ફરી શકાય છે. મલ્ટીયૂઝ આ બેગમાં 20 લિટર જેટલા થૂંકનો સંગ્રહ કરી શકાય છે. થૂંક અને વોમિટિંગ બેગમાં પડ્યા પછી કેમિકલ સાથે ભળીને બરડ સ્વરૂપ ધારણ કરે છે અને તે સાથે હવામાં સ્પ્રેની મહેક પ્રસરાવે છે. આ પ્રોડક્ટને ચેમ્બર ઓફ કોમર્સની સ્ટાર્ટ અપ કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવાનું નક્કી કરાયું છે.
ચેમ્બરે આઈહબ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સિલેક્ટ થનાર સ્ટાર્ટઅપને ચેમ્બર દ્વારા માર્ગદર્શન, આર્થિક અને માર્કેટિંગની મદદ કરવાની તૈયારી છે. ગયા શનિવારે આ પ્રોજેક્ટ હેઠળ પહેલું સ્ટાર્ટઅપ વર્કશોપ મળ્યું હતું, જેમાં 150 યુવાનોએ ભાગ લીધો હતો. તે પૈકી મોટા ભાગના 30થી ઓછી વયના અને અનેક યુવાન તો કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ હતા. 3 દિવસના વર્કશોપમાં 4 વિદ્યાર્થી કૃતિક રૂદાની, મનીષ પ્રજાપતિ, ચેતન ખાંડેકર અને પરીતા કસવાલાની ટીમે સ્પીટિંગ બેગનો વિચાર રમતો મૂક્યો હતો અને 3 જ દિવસના સમયગાળામાં પ્રોડક્ટ બનાવી લઈ આવ્યા હતા.
ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે, યુવાનોની ટીમે વર્કશોપના પ્રથમ દિવસે એવું કહ્યું હતું કે, લોકોને ગમે ત્યાં થૂંકવાની ખરાબ આદત છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર તથા વરાછામાં પાન-માવા, ગુટખાની પિચકારી ખૂબ મારવામાં આવતી હોય છે. જેના લીધે ગંદકી થવા સાથે કોરોનાનું સંક્રમણ વધવાનો ડર પણ રહેલો છે. તેના ઉકેલ માટે કોઈ સાધન જરૂરી છે. સ્ટાર્ટઅપ કમિટી દ્વારા આ વિષય પર ચર્ચા કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવતા વિદ્યાર્થીઓ વર્કશોપના ત્રીજા દિવસે સ્પીટિંગ બેગ તૈયાર કરી લઈ આવ્યા હતા.
આ બેગ બાયોડિગ્રીડેબલ છે. તેથી તે પર્યાવરણને નુકસાન કરતું નથી. તેનો નિકાલ ગમે ત્યાં કરી શકાય છે. થૂંક્યાની 5 જ સેકન્ડમાં બેગ થૂંકના પ્રવાહીને જેલી સ્વરૂપમાં બદલી નાંખશે. સલાઈવામાં રહેલા જીવાણું પણ નષ્ટ કરશે. બેગના વારંવાર ઉપયોગથી ગંધ નહીં આવે. બલ્કે તેમાંથી પરફ્યૂમની સુગંધ બહાર આવશે.