આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી ગરબાની રમઝટનો લાહવો આપ સૌ કોઈ ઉઠાવતા હશો. ઘણા યુવાનો એવા હશે જેઓ અત્યારસુધી પાર્ટી પ્લોટમાં જ ગરબા રમવા જતાં હોય એમણે તો પહેલીવાર આ શેરી ગરબાનો અનુભવ કર્યો હશે. પાર્ટી પ્લોટમાં જ દર વર્ષે ગરબા રમતા ખેલૈયાઓને કેવો રહ્યો શેરી ગરબાનો અનુભવ એવું જો કોઈ પૂછે તો બની શકે કે નવરાત્રીમાં મારું મન મોર બની થનગાટ કરે… એ ગીત વાગતું હોય ત્યારે સુરતીઓના મન કકળાટ પણ કરી શકે!!! એની વે… જે છે તેની સાથે મજા તો લેવી જ પડશે. ત્યારે સુરતીઓએ પણ પરિસ્થિતીને આધીન અવનવા રસ્તા શોધી લીધા છે. ગરબાની મજાની સાથે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ પણ થઈ રહ્યાં છે. ચાલો જાણીએ સુરતીઓના આ બાબતે નિતનવા આઇડિયા…
ડ્રેસ જોઈ 400 લોકોમાં તો જાગૃતતા આવશે : જિગીષા ચેવલી
જિગીષા ચેવલી ડ્રોઈંગ ટીચર છે. જિગીષા ચેવલી જણાવે છે કે, ‘’ મેં પેપરમાં વાચ્યું કે આ વખતે સરકારે 400 લોકોને શેરી ગરબા માટેની છૂટ આપી છે અને એ પણ બે ડોઝ લીધેલા હોવા જોઈએ. આથી મને વિચાર આવ્યો કે કેમ નહીં ડ્રેસમાં જ વેક્સિનનું સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવી લઈએ ? જેથી કરીને જે પણ એ ડ્રેસ પહેરીને શેરીમાં રમે તો તેને જોઈને 400 લોકોમાં તો જાગૃતિ આવે. આથી મેં તેના પર કામ શરૂ કર્યું અને નવરાત્રીના ડ્રેસની ડિઝાઇન તૈયાર કરી. જેના પર કામ મારા સ્ટુડન્ટ જય સુતરીયા અને રિનલે કર્યું છે.’’
ગ્રુપના દરેક મેમ્બર્સ પોતાના હાથ પર અલગ અલગ સ્લોગન લખીને ગરબા રમીએ: રિનલ ભગતવાલા
રિનલ 10 ધોરણમાં ભણે છે. રિનલ જણાવે છે કે, ‘’ મારા ગ્રુપે નક્કી કર્યું કે ભલે આ વખતે આપણે શેરીમાં જ ગરબા રમવાના હોય પણ હટકે તો કરવું જ છે. આથી અમને આઇડિયા આવ્યો કે હટકેની સાથે નવરાત્રીમાં લોકોની સેફ્ટી રાખે એ બાબતની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. આથી અમે નવ દિવસ ગુપમાં લોકોની અલગ અલગ સોસાયટીમાં જઈને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું. જેમાં મારા ગ્રુપની ઈશિકા, સિધ્ધી, રિનલ, સિમ્મી, શ્રુતિ દરેક પોતાના હાથ પર અલગ અલગ સ્લોગન લખીએ છીએ, જેમ કે વેર માસ્ક, રસી લો, વોશ યોર હેન્ડ, યુઝ સેનેટાઈઝર, પ્રેગ્નેટ વુમન કેન ટેક વેક્સિન જેવા જુદા જુદા સ્લોગન લખીએ છીએ. જેથી શેરીના લોકોમાં આ બાબતે જાગૃતતા આવે.’’
મારા વેક્સિન સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવેલ ડ્રેસને જોઈને લોકોને નવાઈ લાગે છે : ચૈતાલી દમવાલા
ચૈતાલી જણાવે છે કે, ‘મારા વેક્સિનના બે ડોઝ પૂરાં થઈ ગયા છે અને બે ડોઝ લીધેલી વ્યક્તિ જ ગરબા રમી શકે એવી જાહેરાત સરકારે કરી છે. આથી હું આ નવરાત્રીમાં વેક્સિન સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવેલ ડ્રેસ પહેરું છું અને દસે દસ દિવસ આ જ સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવેલ ડ્રેસ પહેરીશ. જ્યારે હું આ ડ્રેસ પહેરીને ગરબે રમું છું ત્યારે સોસાયટીના બધા જ લોકોને નવાઈ લાગે છે અને મારો આવો સર્ટિફિકેટ પ્રિન્ટ કરેલા ડ્રેસનો ફોટો પણ પાડે છે. આ ડ્રેસમાં ના માત્ર સર્ટિફિકેટ પણ સાથે માસ્ક, સેનેટાઇઝર, વેક્સિન, ઈંજેકશન, હેંડવોશ જેવા સિમ્બોલને પણ હાથથી પેઇન્ટિંગ કરેલા છે. આ ઉપરાંત મેં ડ્રેસમાં ગો કોરોના ગો તેમજ માસ્ક પણ લગાવ્યા છે.’’
રંગોળી અને માસ્કના તોરણ દ્વારા અવેરનેસ
સોસાયટી અને શેરીમાં લાઇટિંગ અને બીજા ડેકોરેશન સાથે સાથે આજકાલ લોકો રંગોળી પણ પાડી રહ્યાં છે. કેટલીક સોસાયટીમાં ખાસ આ કોરોનાની જંગ જીતવા વેક્સિન અવેરનેસ અને બીજા નિયમોનું પાલન થાય એ માટે યુનિક રંગોળી તૈયાર કરી રહ્યાં છે. બિંદિયા પટેલ જણાવે છે કે, ‘આ વર્ષે પાર્ટી પ્લોટના ગરબા તો થવાના નથી અમે અમારી સોયાયટીમાં જ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. અને સાથે સોસાયટીના ચોકમાં દસે દસ દિવસ જુદી જુદી કોરોનાની વેક્સિન માટેની અવેરનેસ માટેની રંગોળી તૈયાર કરીશું. ઉપરાંત સોસાયટીમાં માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરીને તોરણ પણ લગાવીશું જેથી લોકોમાં વેક્સિન માટેની કે માસ્ક પહેરવાની, નવરાત્રીમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ બાબતની જાગૃતતા આવી શકે.’’