સુરત: સુરત મનપામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં ઘણાં યુનિયનો તંત્ર માટે ન્યૂસન્સ બની ગયા હોવાની બૂમ ઘણાં વર્ષો ઊઠી રહી હતી. મહેંકમ-રિક્રુટમેન્ટ, ભરતી, બઢતી, બદલી, લાયકાતો નિર્ધારણ બાબતે છાસવારે વહીવટી તંત્ર અને શાસકોનું નાક દબાવવા સૂત્રોચ્ચાર અને આક્રમક કાર્યક્રમો આપતાં આ વિવિધ યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે ગાળિયો કસીને મોડી રાત્રે આવા યુનિયનોની 11 ઓફિસોનો કબજો લેવાની કામગીરી શરૂ કરી હતી. ડે.કમિ. નિધી દ્વારા મનપાના સંબંધિત અધિકારીઓની સાથે મનપામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
- લાલ વાવટા અને સફાઇ કામદાર મંડળે સૌથી પહેલા ઓફિસનો કબજો સોંપી દીધો હતો
- સાંજે તમામ યુનિયનોની ઓફિસો પર લાગેલા બોર્ડ ઉતારી પડાયા, રાત્રે પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો
અગાઉ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત યુનિયનોની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઊભો કરી ડે.કમિ. નિધી સિવાચે 25 યુનિયન અને મંડળોને સાત દિવસમાં કાયદેસરતા પૂરવાર કરવા નોટિસ ફટકારી 11 યુનિયનને મુઘલસરાઇ સ્થિત ઓફિસો ખાલી કરવા અલ્ટેમેટમ આપ્યું હતું. આ નોટિસ પીરિયડ બુધવારે સાંજે 6.10 કલાકે પુરો થતા જ ઓફિસોના કબજો લેવાનું ચાલુ કરાયું હતું. સૌથી પહેલા લાલવાવટા યુનિયન અને સુરત સફાઇ કામદાર મંડળ દ્વારા ઓફિસ ખાલી કરી કબજો સોંપી દેવાયો હતો. મોડી સાંજે સેન્ટ્રલ ઝોન અને હાઉસિંગ વિભાગની ટીમ દ્વારા મુધલસરાઇ સ્થિત તમામ યુનિયનોના ઓફિસના બોર્ડ ઉતારી પાડવામાં આવ્યા હતા. રાત્રે ડે.કમિ. નિધી સિવાચ દ્વારા મનપામાં પોલીસને બોલાવી લેવામાં આવી હતી અને આવા યુનિયનોની તમામ ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી.
યુનિયનોના બચાવમાં એક પણ ભલામણ નહીં : શાસક-વિપક્ષ બન્ને ન્યુસન્સ ડામવાના પક્ષમાં
સુરત મનપાના ઇતિહાસમાં પહેલી વખત વરસો જુના યુનિયનો પર ડેપ્યુટી કમિશનર નિધી સિવાચ તવાઇ લાવ્યા અને ઓફિસો પણ ખાલી કરાવી દેવાનું ચાલુ કરતા હવે કાયમી ધોરણે યુનિયનબાજી પર લગામ આવવાની શકયતા છે. ત્યારે ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, એક પણ રાજકીય નેતા, પાર્ટી કે શાસક કે વિપક્ષ કે કોઇ પણ અધિકારીઓએ યુનિયનોના પક્ષમાં ભલામણ કરી નથી.
યુનિયનોએ સામાન ખસેડવા સમય માંગ્યો : કોર્ટ કેસમાં પણ અસર થશે
ડે.કમિશનરે આ યુનિયનોને કાયદેસરતા રજૂ કરવા આપેલા 7 દિવસના સમયગાળામાં પોતાની કાયદેસરતા રજૂ કરી શક્યા ન હતા. બુધવારે છેલ્લો દિવસ હોય, આ યુનિયનો નિધિ સિવાચને મળી વિનંતી કરી હતી કે, તેઓને ઓફિસ ખાલી કરવા માટે થોડો સમય આપવામાં આવે. તેમજ અન્ય 5 યુનિયનવાળા પુરાવા રજૂ કરવા પહોંચ્યા હતા. પરંતુ ડે.કમિશનર નિધિ સિવાચે આ પુરાવાનો અભ્યાસ કરશે અને ફાયનાન્શિયલી આ યુનિયનો દ્વારા શું ગોટાળા કરાયા છે તેની ચકાસણી કરશે તેમ જાણવામાં આવ્યું છે. તાજેતરમાં સુરત મનપાને બેકફુટ પર મુકનાર સબ સેનેટરી ઇન્સપેકટર સહીતના કોર્ટ કેસમાં યુનિયનો પક્ષકાર હોય તેવા કેસમાં યુનિયનની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ મુકાતા કેસ પર વિપરીત અસર થવાની શકયતા છે.
જૂના ગયા નથીને 3 નવા યુનિયનોની અરજી પણ આવી ગઈ
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે 11 યુનિયનો ઓફિસમાં ગેરકાયદે રીતે કબજો જમાવી બેઠા છે. 2015 થી તેઓ પાસે રજિસ્ટ્રેશન જ નથી એટલે કે, છેલ્લા 10 વર્ષથી તેઓ ગેરકાયદે રીતે ઓફિસમાં અડીંગો જમાવી બેઠા છે જેઓને હવે ખાલી કરવાની કવાયત ચાલી રહી છે ત્યાં ડે.કમિશનર પાસે નવા 3 યુનિયનોની અરજી પણ આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે
10 વર્ષથી કબજો જમાવનારાઓને રિકવરીની નોટીસ ફટકારાશે ?
એવી વાત પણ બહાર આવી છે કે, મનપાના મુખ્યાલય મુઘલસરાય ખાતે જે 11 યુનિયનોની ઓફીસ કાર્યરત હતી તેની ફાળવણી 2015માં રદ થઇ ચૂકી હતી આમ છતા આ યુનિયનો ઓફિસો પર કબજો જમાવી બેઠા હતા. જે મનપાના ટેલીફોન, વિજળી સહીતની સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોવાથી આગામી દિવસોમાં આ યુનિયનો પાસેથી છેલ્લા 10 વર્ષનું ભાડુ તેમજ અન્ય ખર્ચની વસુલાત માટે રીકવરીની નોટીસ ફટકારાય તેવી શકયતા છે.