નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની (Loksabha Election 2024) જાહેરાત થયા બાદ મોદીના સામ્રાજ્યમાં કાંગરા ખરવા લાગ્યા છે. ગુજરાતમાં (Gujarat) ધારાસભ્યના રાજીનામા બાદ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના (PMModi) એક કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપી દીધું છે.
એનડીએની બેઠકોની વહેંચણીમાં હાથ ખાલી રહ્યા બાદ આરએલજેપી (RLJP) ચીફ પશુપતિ પારસે (Pashupati Paras Resign) કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. પશુપતિ પારસે આજે તા. 19 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. પારસે કહ્યું, મારી સાથે અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. અમને એક પણ સીટ ફાળવવામાં આવી નથી. રાજીનામું આપતા પહેલા પશુપતિ પારસ મોદી સરકારમાં ફૂડ એન્ડ પ્રોસેસિંગ મંત્રી હતા.
સીટ શેરિંગમાં ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને 5 લોકસભા સીટ મળવાથી પશુપતિ પારસ નારાજ છે. તેમની સૌથી મોટી નારાજગી એ છે કે તેમની પાર્ટીને એક પણ સીટ આપવામાં આવી નથી. તેમજ સીટ વહેંચણીની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી ન હતી.
પશુપતિ પારસે એનડીએ ગઠબંધનમાં કેટલીક બેઠકો મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. આ માટે તેણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જો અમને યોગ્ય સન્માન નહીં આપવામાં આવે તો અમારી પાર્ટી સ્વતંત્ર છે અને અમારા દરવાજા ખુલ્લા છે. અમે ગમે ત્યાં જવા માટે તૈયાર થઈશું. હવે જ્યારે સીટની વહેંચણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તેમનો રોષ પણ ખુલ્લેઆમ બહાર આવ્યો છે. એવી ચર્ચા છે કે રાજીનામા બાદ પશુપતિ પારસ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ શકે છે.
ભાજપ 17 સીટો પર અને જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડશે
બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે. વિભાજન હેઠળ ભાજપ ફરી એકવાર મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયું છે. બીજેપી બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે જેડીયુના ખાતામાં 16 બેઠકો આવી છે. અન્ય સહયોગીઓની વાત કરીએ તો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 5 બેઠકો, જીતન રામ માંઝીની પાર્ટી HAMને 1 બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળને એક બેઠક મળી છે. પરંતુ આમાં પશુપતિ પારસની આરએલજેપીને એક પણ સીટ આપવામાં આવી નથી.