લોકસભા સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો તેમજ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કરવા બદલ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા સાથે જ તમામ દેશવાસીઓ અને દુનિયાભરના લોકોને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રીક઼ૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ આપી હતી.
અમીત શાહે કહ્યું હતું કે ગાંધીનગર ક્ષેત્રમાં લગભગ સાત હજાર ગર્ભવતી મહિલાઓને કુપોષણ સામે લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી, જ્યાં સુધી બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી દર મહિને 15 પૌષ્ટિક લાડુ મફત મળશે, આ યોજનામાં સરકારનો એક પણ પૈસો લાગશે નહીં કેમકે તેની જવાબદારી સ્વયંસેવી સંસ્થાઓએ ઉઠાવી છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી બધી પોષણ સંબંધિત વ્યવસ્થાઓ શરૂ કરી છે. ત્રણ વર્ષોમાં લગભગ સાડા સાત કરોડ ગર્ભવતી મહિલાઓ અને ત્રણ કરોડ સત્તર લાખ સ્તનપાન કરાવનારી માતાઓને ફોલિક એસિડ સપ્લીમેન્ટના 180 ડોઝ આપવામાં આવ્યા, જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે.
તેમણે કહ્યું કે વર્ષ 2016માં શરૂ કરાયેલા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત લગભગ ત્રણ કરોડ માતાઓની પ્રસૂતિ પૂર્વે તપાસ થાય છે. તેમણે કહ્યું કે ભારત સરકારે અનેક કાર્યક્રમ શરૂ કર્યા છે. લગભગ 8.6 લાખ સ્માર્ટફોન ખરીદીને આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આપ્યા છે. કુપોષણ સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે 18 મંત્રાલયોએ મળીને પોષણ અભિયાનનો પ્રચાર-પ્રસાર કરવા માટે એક સમૂહ બનાવીને એક સામૂહિક અભિયાન ચલાવ્યું છે.
અમિત શાહે આ પ્રસંગે ઉપસ્થિત પંચાયતોના સરપંચોને અનુરોધ કર્યો કે યોજનાઓની પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ન રહી જાય, તેની જવાબદારી આપણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. તમામ યોજનાઓ પર અમલ જરૂરી છે, પરંતુ વ્યક્તિ જ નિર્બળ, કુપોષિત અને ગરીબ રહી જાય છે તો તમામ સુવિધાઓનો કોઈ અર્થ નથી, કેમકે જનતંત્ર અને લોકતંત્રમાં સૌપ્રથમ વ્યક્તિ જ સૌથી નાનું એકમ છે.