Gujarat

કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે તેમણે સાંસદો, ધારાસભ્યો તેમજ મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિકાસ માટે મહત્વની બેઠક યોજી હતી .
અમિત શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.

શાહે બેઠકમાં રસીકરણ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક ૧૦૦% સિદ્ધ કરવા તાકિદ કરી હતી. સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

મા કાર્ડ સંદર્ભે શાહે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી સુપેરે કરાય તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, એન.એફ.એસ.એ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.

કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના ‘મોડેલ ફાર્મ’ બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો ‘ક્રોપ પેટર્ન ચેન્જ’ અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે એમ તેમણે ઉમેર્યું હતુ

Most Popular

To Top