Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દ્વારા 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત થયા

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા યોજાયેલા સમારંભમાં શાહ દ્વારા 188 શરર્ણાર્થી નાગરિકોને આજે અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. શાહે અંતરનો આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ ૧૮૮ નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ૧૯૪૭થી ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા. પરંતુ પીએમ મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ધર્મના આધાર પર ભારતનું વિભાજન થયા બાદ પાડોશી દેશના લઘુમતી સમુદાયો પર અનેક પ્રકારના ઝૂલ્મ ગુજારવામાં આવ્યા. કેટલાકે પરિવાર ગુમાવ્યા તો કેટલાકે જીવનભરની મહેનતથી બનાવેલી સંપત્તિ ગુમાવી. પરંતુ તેમને ન્યાય ન મળ્યો. આખરે દાયકાઓથી અધૂરું રહેલું કાર્ય પીએમ મોદીએ પૂર્ણ કર્યું, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ૧૮૮ જેટલા નિરાશ્રિતોને નાગરિકતા આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન પીએમ મોદીના નેતૃત્વ માં શક્ય બન્યું છે. ‘જે કહેવું તે કરવું’ તે પીએમ મોદીનો સંકલ્પ રહ્યો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહના નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, અમિત શાહે આતંકવાદ અને નક્સલવાદનો મજબૂતીથી ખાત્મો કરી દેશને સુરક્ષિત કર્યો છે.

  • આટલાને નાગરિકતા મળી
  • અમદાવાદના ૯૦
  • મોરબીના ૩૬
  • સુરેન્દ્રનગરના ૨૦
  • પાટણના ૧૮
  • મહેસાણાના ૧૦
  • રાજકોટના ૬
  • કચ્છના ૩
  • વડોદરાના ૩
  • આણંદના ૨

Most Popular

To Top