તત્કાલીન વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહની (Dr.Manmohan Sinh) દીકરી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) મંત્રીમંડળના એક કેન્દ્રીય મંત્રી પર બરોબર બગડી છે. બિમાર મનમોહનસિંહની ખબર અંતર પૂછવા ગયેલા આ મંત્રીને પૂર્વ વડાપ્રધાનની દીકરીએ ઝાટકી નાંખ્યા છે. આ મંત્રીની એક હરકતના લીધે તેઓ સોશીયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ ગયા છે. નરેન્દ્ર મોદીના નજીકના અને વિશ્વાસુ ગણાતા આ મંત્રીને સપનેય ખ્યાલ નહીં હોય કે એક બિમાર વ્યક્તિની ખબર પૂછવા જતા પણ તેઓ ભેરવાઈ જશે.
વાત જાણે એમ છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત ખરાબ છે, જેના લીધે તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે. ગઈકાલે શુક્રવારે દશેરાના દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હોસ્પિટલમાં (Mansukh Mandviya) તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યાર બાદ મનમોહનસિંહનું મૃત્યુ થયું હોવાની અફવા ઉડી હતી. આ ન્યૂઝ કેટલીક ચેનલોમાં પણ દર્શાવવામાં આવ્યા હતા. તસવીરમાં મનમોહનસિંહ દેખાઈ રહ્યાં છે અને તેમના પત્ની ગુરુશરણ કૌર તેમની પાસે ઉભા છે. મનસુખ માંડવીયા તેમની ખબર પૂછી રહ્યાં છે.
આ તસવીર અને સમાચાર વાયરલ થયા બાદ મનમોહનસિંહની દીકરી દમન સિંહ ભડક્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની દીકરી દમન સિંહે પિતાની સારવાર દરમિયાનની તસવીર મીડિયામાં આવવા પર મોટી પ્રતિક્રિયા આપી છે. ધ ટેલિગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં દમન સિંહે કહ્યું કે મારા પેરેન્ટ્સ કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે. પ્રાણી સંગ્રહાલયના જાનવર નથી.
દમન સિંહે કહ્યું કે, મારા પિતા મનમોહનસિંહની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ડેંગ્યૂની સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સુધારા પર છે. ઉંમરના લીધે રોગ પ્રતિકાત્મક ક્ષમતા ઓછી છે. કોરોના સંક્રમણના જોખમના લીધે અમે મુલાકાતીઓ પર રોક લગાવી છે. સ્વાસ્થ્ય મંત્રી આવ્યા અને ચિંતા વ્યક્ત કરી તે સારી વાત છે. જોકે મારા માતા-પિતા તે સમયે તસવીર પડાવવાની સ્થિતિમાં નહોતા. મારી માતાએ ભાર આપીને કહ્યું કે ફોટોગ્રાફરે રૂમની બહાર જવું જોઇએ, પણ તેમની વાત સાંભળવામાં આવી નહીં. તેને લઇ તેઓ ખૂબ પરેશાન હતા.
આ મામલે ડૉક્ટર્સનું કહેવું છે કે રોગીઓની પ્રાઇવસી જાળવી રાખવી તેમની નૈતિકતા છે. ડૉક્ટર્સ અને હોસ્પિટલની આ જવાબદારી છે કે રોગીઓની ગોપનિયતાની રક્ષા કરવામાં આવે. ફોરમ ફોર મેડિકલ એથિક્સ સોસાયટીના સભ્યે કહ્યું કે જો પૂર્વ પ્રધાનમંત્રીની તસવીર તેમના પરિવારની સંમતિ વિના લેવામાં આવી છે તો આ નૈતિકતાનું ઉલ્લંઘન છે.