સુરત : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ પર 350 કરોડનાં ખર્ચે ચાલી રહેલાં વિકાસ કાર્યોની માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટના પુનઃવિકાસ માટે સરકારે રૂ. 350 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ. 163 કરોડ નવા ટર્મિનલ બિલ્ડિંગનું હયાત ટર્મિનલ બિલ્ડીંગની બંને તરફ વિસ્તરણ માટેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વિસ્તરણ સાથનું નવું ટર્મિનલ 2023ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સુરત એરપોર્ટનાં ટર્મિનલ વિસ્તરણથી હાલની 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને 26 લાખ થઇ જશે.
- રૂપિયા 163 કરોડનાં ખર્ચે વિસ્તરીત થઇ રહેલાં સુરત એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ ચાલુ વર્ષનાં મધ્યમાં થશે
- ટર્મિનલ વિસ્તરણથી હાલની 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને 26 લાખ થશે : જ્યોતિરાદિત્ય સિંધિયા
આ ઉપરાંત નવા એરપોર્ટ એપ્રોનનું કામ પણ રૂ. 72 કરોડનાં ખર્ચ સાથે ચાલી રહ્યું છે. જોકે એપ્રનનું કામ ક્યારે પૂર્ણ થશે એ નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું નથી. સુરત પહેલાથી જ બિઝનેસ અને આંત્રપ્રિન્યોરશિપનું હબ છે. એર એશિયાની ત્રણ શહેરોને જોડતી ફ્લાઈટ શરૂ થતાં તે હવે એક આંતરરાષ્ટ્રીય શહેર સહિત 10 શહેરો સાથે જોડાશે. 2014 પહેલા સુરત માત્ર 2 શહેરો સાથે જોડાયેલું હતું. સુરત અને ગુજરાતમાં હવાઈ જોડાણના વિકાસ પર પ્રકાશ પાડતા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે 2014 પહેલા સુરતથી માત્ર 36 સાપ્તાહિક ફ્લાઈટ હતી. જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દર અઠવાડિયે 322 ટકા વધીને 152 થઈ ગઈ છે.
5 પૈકી 4 નવા એરોબ્રિજ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા
સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ પહેલાં સુરત એરપોર્ટ પર ચાલી રહેલાં 350 કરોડનાં વિકાસનાં કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ રીતે કામમાં ગતિ લાવવા ઓથોરિટિને જણાવવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળે ફ્લાઈટ સંખ્યા વધે એવાં હેતુથી એરોબ્રિજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. એરપોર્ટ પર નવા 5 એરોબ્રિજ પૈકી 4 એરોબ્રિજ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યાં છે.