Charchapatra

યુનિફોર્મ સિવિલ કોડ(યુ.સી.સી.)માં ફેરફાર શક્ય બનશે?

દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી દ્વારા યુ.સી.સી. ને આવનાર ચૂંટણીનો મુદ્દો બનાવાયો છે ત્યારથી આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. સામાન્યપણે એવું લાગે કે સમગ્ર દેશમાં  બધાં નાગરિકો માટે એક સમાન કાયદો લાગુ પડતો હોય તો એનો અમલ પણ સરળ બની રહે, જે આવકારદાયક છે. અલબત્ત આ અંગે યુ.સી.સી. માં સરકાર શું સુધારા કરવા માંગે છે એની કોઇ વિગત હજી સુધી જાહેર કરવામાં આવી નથી તેમ છતાં આમાં થોડા ઊંડાં ઊતરીએ તો લાગે છે કે આ જેટલું સરળ દેખાય છે એટલું એનું અમલીકરણ સરળ નથી.

દેશમાં સેંકડો જાતિઓ છે. એટલી જ એમના ધાર્મિક અને સામાજિક નીતિનિયમોમાં વિવિધતા છે જેને તેઓ ચુસ્તપણે વળગી રહ્યા છે. વડાપ્રધાનશ્રી દ્વારા યુ.સી.સી. અંગે જાહેરાત થતાં થોડી વિગતો જાણવાની કોશિશ કરતાં શ્રી દિનેશભાઇ વોરા દ્વારા અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે આ વિષયને આવરી લેતા વાર્તાલાપ દ્વારા જાણવા મળ્યું કે    ઉત્તર–પૂર્વિય પ્રદેશોમાં સવા કરોડ આદિવાસી છે જેમાં લગભગ ૨૨૦  જનજાતિઓ છે, જેમના પોતાના રિવાજ છે એમને ભારતના સંસદના એક એક્ટ પ્રમાણે મળેલ છૂટછાટને કારણે ભારત સરકાર એમની ધાર્મિક માન્યતા, વિવાહ, અગ્નિસંસ્કાર જેવી વિધિ અને સંસ્કૃતિ વિગેરેમાં કોઇ દખલઅંદાજી ન કરી શકે.

આ સિવાય અન્ય અલગ અલગ રાજ્યોમાં અંદાજે સાડા અગિયાર કરોડ આદિવાસી છે એમના પણ પોતાના રિવાજ, ધાર્મિક માન્યતાઓ, કુલદેવી–દેવતાઓ  છે જેને  તેઓ ચુસ્તપણે અનુસરે છે. આ રાજ્યોની બધી સરકારોએ પણ કહ્યું છે કે એમને ત્યાં યુ.સી.સી. લાગુ ન કરી શકાય. આ ઉપરાંત પંજાબ સહિત જે રાજ્યોએ શરૂ શરૂમાં યુ. સી. સી. અંગે સંમતિ દર્શાવી હતી એમને આ કાયદાની આંટીઘુંટીનો ખ્યાલ આવતાં એમણે પણ એનો વિરોધ કરવા માંડ્યો છે. યુ.સી.સી.માં સુધારા થતાં હિન્દુઓમાં એચ.યુ.એફ. ના જે ફાયદા છે એ એમણે જતા કરવા પડે એ શક્યતાને નકારી ન શકાય. મુસ્લિમોને જે કાયદા લાગુ પડે છે એમાંના ઘણાંમાં ફેરફાર થઇ ચૂક્યા છે. અન્ય લઘુમતી કોમની પણ અલગ અલગ ધાર્મિક વિધિઓ હોઇ શકે જેમાં ફેરફાર કરવા અશક્ય નહીં તો પણ મુશ્કેલ બની શકે. આ બધું જોતાં એવું લાગે છે કે આ મુદ્દો આવનાર ચૂંટણીઓને ઘ્યાનમાં રાખી ચૂંટણીમાં વોટ મેળવવા આગળ કર્યો હોઇ શકે, જે ચૂંટણી પતી જતાં અભરાઇએ પણ ચઢાવી દેવામાં આવે એ શક્યતાને પણ નકારી ન શકાય.
સુરત     –  હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top