સુરત: નવી સિવિલની જૂની બિલ્ડિંગમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી તેમજ ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઈન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું.
- નવી સિવિલની જૂની બિલ્ડિંગમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ
- એક મહિલા બાળકને લઈ હોસ્પિટલના મેઈન ગેટથી બહાર નીકળતી હોવાનું સીસીટીવીમાં દેખાયું
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વરનગરમાં રાજેશ પોલ, પત્ની તેમજ 3 વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે. રાજેશ સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના G-1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો.
દરમિયાન શિવા G-1 વોર્ડથી F-1 વોર્ડની લોભીની વચ્ચે રમી રહ્યો હતો. 3 વાગ્યાના સુમારે શિવા રમતો-રમતો ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ.
તેમજ હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતા લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો. જેથી છેલ્લે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો. જેથી તેમની સૂચના બાદ ડીસીપી, એસીપી તેમજ ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં હાલ બાળકની શોધખોળ હાથ ધરી છે, જેમાં એક મહિલા શિવાને લઈને મેઈન ગેટથી બહાર નીકળી રહી હોવાની વાત જાણવા મળી હતી.