Comments

મનની અધૂરી તમન્નાઓ

એક માણસ રાત્રે સૂતી વખતે તેની પત્નીને કહેતો હતો કે ‘આપણે હંમેશાં મન મારીને જ જીવવું પડે છે.તું અને હું બંને આટલી મહેનત કરીએ છીએ છતાં આપણે ક્યારેય બધાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકતાં જ નથી અને આપણી ઇચ્છાઓ તો શું છે તે ભૂલી જ ગયાં છીએ.’ પત્ની શું બોલે, તેણે પતિને હિંમત બંધાવતાં કહ્યું, ‘થશે, એવા દિવસો પણ આવશે, જયારે આપણી બધી ઇચ્છાઓ પૂરી થશે.’ આમ વાતો કરતાં પતિ –પત્ની સૂઈ ગયાં,રાત્રે પતિને સપનું આવ્યું કે તે એક જૂની એન્ટીકની દુકાનમાં કામ કરે છે અને દુકાનના છેક છેલ્લા પટારામાંથી તેને એક ચિરાગ મળે છે.આ ચિરાગ પેલો વાર્તામાં જોયેલો અને સાંભળેલો અલ્લાઉદ્દીનના ચિરાગ જેવો જ હતો. કુતૂહલવશ માણસ તે ચિરાગ હાથમાં લે છે અને તેના પરની ધૂળ સાફ કરે છે.સાફ કર્યા બાદ તે ચિરાગને ઘસે છે અને ઘસતાં જ ચિરાગમાંથી ધુમાડો નીકળે છે અને તે ધુમાડામાંથી સાચે જ જીન સામે આવીને ઊભો રહી જાય છે.

જીન માણસને પૂછે છે, ‘મેરે આકા,મારા માલિક, બોલો તમારી શું ઇચ્છા છે?’ માણસે કહ્યું, ‘એક નહિ અનેક ઇચ્છાઓ છે. શું તું બધી પૂરી કરી શકીશ તો કહું.’ જીન મોટેથી હસ્યો અને બોલ્યો, ‘માફ કરજો માલિક પણ કોઈની પણ બધી ઈચ્છો કયારેય પૂરી થતી જ નથી.તમે મને તમારી કોઇ પણ ત્રણ મુખ્ય ઈચ્છા કહો, હું તે પૂરી કરીશ.’ માણસ બોલ્યો, ‘ના, અહીં પણ મારે ગણી ગણીને ઇચ્છાઓ પૂરી નથી કરાવવી. જો તું મને જે જોઈએ છે તે બધું આપી શકતો હોય તો બોલ.નહિ તો તારા ચિરાગમાં ફરી પાછો પૂરાઈ જા. મારે કંઈ માત્ર  ત્રણ ઈચ્છાઓ પૂરી કરવી નથી સમજ્યો.’

જીન બોલ્યો, ‘આકા, ગુસ્સે ન થાવ.હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકું એમ જ નથી. તેનાં બે કારણો છે. એક મને કોઈની બધી ઈચ્છાઓ પૂરી કરવાની  પરવાનગી જ નથી.’ માણસ બોલ્યો, ‘કેમ?’ જીને કહ્યું, ‘આકા, બધાની બધી ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી જ નથી કારણ કે તે શક્ય જ નથી. મનમાં બીજી ઇચ્છાઓ નિર્માણ થતી જ રહે છે અને જો હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરું અને કદાચ તમારી બધી તમન્નાઓ પૂરી થઈ જાય તો પછી તમને જીવન જીવવાની મજા જ નહિ આવે.કારણ બાકી રહેતી  થોડી અધૂરી ઈચ્છાઓ જ માણસને જીવવાની મજા આપે છે અને આગળ વધવાનું બળ પૂરું પાડે છે.’  જીને હસીને સમજાવ્યું અને માણસની આંખો ખુલી ગઈ. સપનું પૂરું થયું પણ એક સાચી સમજ આપી ગયું.તો મગજ પણ કામ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top