વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન દાઓસ ખાતે યોજાયેલ મિટિંગ સમક્ષ ઑક્ષફામ દ્વારા એક અહેવાલઃ ‘ટેકર્સ નોટ મેકર્સ: ધી અનજસ્ટ પોવર્ટી એન્ડ અનઅર્ન્ડ વેલ્થ ઓફ કોલોનિયાલિઝમ’એક અહેવાલ મૂકવામાં આવ્યો. એની એક્ઝિક્યુટિવ સમરીના પાન-૩ ઉપર ૧૯૫૫માં ઇન્ડોનેશિયામાં બાંડૂંગ ખાતે મળેલ બિનજોડાણવાદી રાષ્ટ્રોની પરિષદને સંબોધતાં ઇન્ડોનેશિયાના તત્કાલીન પ્રેસિડેન્ટ સુકર્ણોએ કહ્યું હતું કે, ‘આપણને વારંવાર કહેવામાં આવે છે કે સંસ્થાનવાદ (કોલોનિયાલિઝમ) મૃત્યુ પામ્યો છે અથવા દફનાવાઈ ગયો છે.
આપણે આ શબ્દપ્રયોગથી રાહત ન અનુભવીએ અને છેતરાઈએ નહીં. હું તમને કહું છું કે સંસ્થાનવાદ હજી મૃત્યુ પામ્યો નથી. એશિયા અને આફ્રિકા ખંડના ઘણા બધા વિસ્તારો જ્યાં સુધી મુક્ત ના હોય ત્યાં સુધી આપણે આ કહી શકતા નથી અને હું તમને વિનંતી કરું છું કે ઇન્ડોનેશિયા તેમજ આપણા એશિયા અને આફ્રિકાના દેશો જે રીતે વિચારે છે તે રીતે સંસ્થાનવાદને એના આદર્શ રૂપમાં વિચારવાના નથી.
નવો સંસ્થાનવાદ નવા વાઘા ધારણ કરીને આવ્યો છે જેમાં આર્થિક કાબૂ, જ્ઞાન અથવા બુદ્ધિજન્ય અસ્ક્યામતો ઉપરનો કાબૂ, એક નાનકડી બહારથી આવેલી કોમ્યુનિટીનો એ વિસ્તાર પર ભૌતિક કાબૂ વગેરે, સંસ્થાનવાદ એ એક જીદ્દી અને ખટપટી શત્રુ છે અને એ જુદા જુદા છદ્મ રૂપે પોતાની જાતને રજૂ કરે છે. એણે પોતાની લૂંટારું વૃત્તિ સાહજિકતાથી છોડી નથી. ગમે તે રીતે, ગમે ત્યાં, ગમે ત્યારે એ પ્રગટ થાય છે. સંસ્થાનવાદ એક દુષ્ટ વસ્તુ છે અને ગમે તે ભોગે આ દુનિયા ઉપરથી એને ઉખાડી ફેંકવો જોઈએ.’
સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ વ્યાપક અને મજબૂત બનતું ચાલ્યું છે. અબજોપતિઓની સંપત્તિ ૨૦૨૩ કરતાં ૨૦૨૪માં ત્રણ ગણી વધુ ઝડપથી વધી છે. પાંચ ખરબપતિ (ટ્રિલિયોનર) એક દાયકાના સમયમાં આ પૃથ્વી પર હયાત હશે. દરમિયાનમાં અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને સતત ચાલ્યા કરતો વિરોધ કે વિગ્રહ–આ બધાનો અર્થ થાય કે ૧૯૯૦ બાદ ગરીબીમાં જીવતાં લોકોની સંખ્યાની ટકાવારી ભાગ્યે જ બદલાઈ છે. અગત્યની વાત તો એ છે કે, મોટા ભાગની અરબો ખરબોની સંપત્તિ પરસેવો પાડીને કમાઈ કરી અથવા જોખમ લઈ મેળવવામાં નથી આવી પણ ઝૂંટવી લેવામાં અથવા ઓળવી લેવામાં આવી છે. આ અરબોખરબોપતિઓની ૬૦ ટકા સંપત્તિ વારસારૂપે આવે છે, ભાઈ-ભત્રીજાવાદ થકી ભેગી કરાઈ છે. લાંચ-રૂશવત અથવા એકાધિકારવાદના બળે એના ઉપર કબજો જમાવાયો છે.
આપણી મોટા ભાગે અસમતુલિત દુનિયાનો ઇતિહાસ સંસ્થાનવાદના પ્રભુત્વનો રહ્યો છે. આનો લાભ લઈને તવંગરો વધુ તવંગર બન્યા છે. ગરીબ કે અતિ ગરીબ, અમુક ચોક્કસ જાતિઓમાં વહેંચાયેલાં માણસો, સ્ત્રીઓ, ઘણાં બધાં ક્ષેત્રોમાં સીમાંત જૂથો, ઘણી મોટી માનવબળરૂપી કિંમતો મેળવવા માટે વપરાય છે. આજની દુનિયા આ કારણથી – એક કરતાં વધુ કારણોસર સંસ્થાનવાદી બની રહી છે. આજે પણ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતા ૧ ટકો સુપ૨રીચ લોકો કલાકે ત્રણ કરોડ અમેરિકન ડૉલર લેખે સંપત્તિ ખેંચે છે. જો દુનિયા ઉપર સમતુલન લાદવું હોય તો આ પરિસ્થિતિ ઉલટાવવી જોઈએ.
જે લોકોને ક્રૂરતાપૂર્વક ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યા છે અને સંસ્થાનવાદના ઓછાયા હેઠળ જકડી રાખવામાં આવ્યા હતા તેમને યોગ્ય બદલો આપવો જ પડે. આપણી આધુનિક સંસ્થાનવાદી આર્થિક સિસ્ટમ ગરીબીને દૂર કરવા માટે ધરમૂળથી બદલવી પડે. આની કિંમત અત્યાર સુધી જેણે મહત્તમ ફાયદો ઉઠાવ્યો છે તે ધનાઢ્યોએ વેઠવી પડે. કદાચ આ કારણથી જ ઓક્ષફામના આ અહેવાલની એક્ઝિક્યુટિવ સમરીને ટાઇટલ આપવામાં આવ્યું, ‘એ ટુ ટાયર વર્લ્ડ’અર્થાત્ બે પડવાળી આ દુનિયા. અત્યાર જેવો સારો સમય પહેલાં ક્યારેય આવ્યો નથી. આ અબજોપતિઓની સંપત્તિ આકાશને આંબે છે, જ્યારે દુનિયાનાં ગરીબો અનેક પ્રકારની કટોકટીમાં જીવે છે. આ બૃહદ્ સંદર્ભ અને પરિપ્રેક્ષ્યમાં આપણે ભારતને ક્યાં મૂકીશું?
પહેલી શરૂઆત કરીએ માથાદીઠ આવકથી. આવક બે રીતે જોવાયઃ (૧) ચાલુ કિંમતે એટલે કે અત્યારે રૂપિયો છે તેને એ જ રીતના ચલણ તરીકે ગણવો અને બીજું પરચેઝ પ્રાઇસ પેરીટી એટલે કે જે તે ચલણની આંતરિક કિંમત જે એની ખરીદશક્તિ વધે ૨જૂ થાય તે રીતે. એક વાત એ પણ સમજી લઈએ કે કોઈ પણ પ્રકારનો વિકાસ એની આડ અસર તરીકે અસમતુલાઓ પેદા કરે. ‘સમતુલિત વિકાસ’એ શબ્દસમૂહ જ એક છલના છે, કારણ કે એ શક્ય નથી. એક અભ્યાસ પેટે ‘ઇન્કમ એન્ડ વેલ્થ ઈનઇક્વાલિટી ઈન ઇન્ડિયા, ૧૯૨૨-૨૦૨૩: ધ રાઇઝ ઑફ ધ બિલિયોનર રાજ’છેલ્લાં સો વર્ષમાં ભારતની સંપત્તિની અસમાન વહેંચણી કઈ રીતે રહેવા પામી તેની વાત કરતાં કહે છે, ઈ.સ. ૨૦૦૧ બાદ આ કૅન્સરમાં જે ઝડપે વધારો થયો તેમાં ટોચના એક ટકા લોકો પાસેનો આવક અને સંપત્તિનો હિસ્સો ૨૨.૬ ટકાથી વધીને ૪૦.૧ ટકા થયો. આમાં પણ ૨૦૧૪થી ૨૦૨૩ વચ્ચેના ગાળામાં તો આ કૅન્સરની ગાંઠના વિકાસે આડો આંક વાળ્યો છે.
ભારત વસતીની દૃષ્ટિએ અત્યારે દુનિયાનો મોટામાં મોટો દેશ છે અને આ કારણથી ભારતમાં થતો આર્થિક વિકાસ અને સંપત્તિની વહેંચણી આજના વૈશ્વિકીકરણના જમાનામાં દુનિયાને અસર કર્યા વગર રહી શકે નહીં. નીતિનકુમાર ભારતી, લુકાસ ચાન્સેલ, થોમસ પિકેટી અને અનમોલ સોમાન્ચી દ્વારા દરેક દેશના રાષ્ટ્રીય આવકના આંકડાઓ સરેરાશ સંપત્તિ, કરવેરા, ધનાઢ્યો અને આવકને લગતા સર્વે થયા હોય તો તે, વપરાશ અને સંપત્તિ–આ બધાનો આવક અને સંપત્તિની અસમાનતા સંદર્ભે ભારત બાબતે કરેલ સંશોધનો ઉપર આધારિત ‘ઇકોનોમિક ઇનઇક્વાલિટી ઇન ઇન્ડિયાઃ ધી ‘બિલિયોનર રાજ’ઇઝ નાઉ મોર અનઇક્વલ ધેન ધ બ્રિટિશ કોલોનિયલ રાજ’માં આવક અને સંપત્તિ સંબંધિત ૧૯૨૨થી ૨૦૨૨ સુધીની વિગતો ગ્રાફ રૂપે નીચે મુજબ રજૂ કરવામાં આવી છે.
આવક અને સંપત્તિની અસમાનતા – ૧૯૨૨-૨૦૨૨
ભારત વિશ્વની એક ઝડપથી વિકસી રહેલ અર્થવ્યવસ્થા છે એટલું જ નહીં પણ મોટી અર્થવ્યવસ્થાઓમાં જીડીપી વૃદ્ધિદરની દૃષ્ટિએ સૌથી વધુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન ધરાવે છે પણ આ વર્ણન અધૂરું છે. ભારત અને એની અર્થવ્યવસ્થા આવક તેમજ સંપત્તિની ભયાનક અસમાન વહેંચણીનું વરવું ચિત્ર ગણાતી અર્થવ્યવસ્થા છે. આટલું પૂરતું ન હોય તેમ ધન્નાશેઠો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બનતા ચાલ્યાં છે. અસમાનતા છેલ્લા ત્રણ દાયકામાં ખૂબ ફૂલીફાલી છે. ધનાઢ્ય લોકોએ સંપત્તિના ડુંગરો ખડક્યા છે, જે મોટા ભાગે ‘ક્રોની કેપિટાલિઝમ’એટલે ભાઈ-ભતીજાવાદથી ભેગી કરાયેલ મૂડી તેમજ પેઢી-દર-પેઢી મોટા વારસારૂપે એમના હાથમાં આવતી સંપત્તિને કારણે છે.
આ લોકો રોકેટ ગતિએ ધનિક બનતાં જાય છે, જ્યારે ગરીબો બે છેડા ભેગા કરવા માટે સતત મથામણ કરતાં રહે છે. આને કારણે ઓછી આવકવાળો આ વર્ગ તેમનાં બાળકો માટે શિક્ષણ તેમજ કુટુંબ માટે આરોગ્ય સેવાઓ બંને મોરચે કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની અપૂરતી ફાળવણીને કારણે હેરાન થાય છે. સતત પડકારો વેઠતા રહે, ગરીબ પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી જ્યારે ધનિકોની વાત કરીએ તો ભારતના એક ટોચના ઉદ્યોગપતિએ પોતાના કુટુંબના એક પ્રસંગે દસથી પંદર હજાર કરોડ રૂપિયાનો તાયફો કર્યો એ રીતે બેફામ બનીને પોતાનાં નાણાંકીય સાધનોનો નગ્ન નાચ કરતાં રહે છે. એવું ચોક્કસ કહી શકાય કે ગરીબ અને મુઠ્ઠીભર તવંગરો વચ્ચે વધી રહેલી ખાઈ તેમજ વરવી અસમાનતાની સૌથી વધુ અસર સ્ત્રીઓ તેમજ બાળકોને થાય છે. આ સંદર્ભિત કેટલીક વિગતો જોઈએઃ
•ભારતની ટોચની દસ ટકા વસતી રાષ્ટ્રની ૭૭ ટકા સંપત્તિ પર કાબૂ ધરાવે છે. ૨૦૧૭માં જે સંપત્તિનું સર્જન થયું તેમાંથી ૭૩ ટકા જેટલી માત્ર ૧ ટકો ધનાઢ્યોની પાસે ગઇ છે જ્યારે આ સામે ૬૭ કરોડ ભારતીય નાગરિકો જે આ દેશની અડધોઅડધ જનસંખ્યા ધરાવે છે તે ગરીબીમાં સબડતાં લોકોની સંપત્તિમાં માત્ર ૧ ટકો વધારો થયો છે. •ઈ.સ. ૨૦૦૦માં ભારતમાં માત્ર ૯ લોકો અબજોપતિ હતાં. ૨૦૧૭માં એ વધીને ૧૦૧ થયાં. ૨૦૧૮ અને ૨૦૨૨ વચ્ચે ભારતમાં રોજના વધારાના ૭૦ બિલિયોનર એટલે કે કરોડપતિઓ ઉમેરાયાં. •આ અબજોપતિની સંપત્તિ એક દાયકામાં દસ ગણી વધી અને જાણીને નવાઈ લાગશે કે આ અબજપતિઓની કુલ સંપત્તિ ૨૦૧૮-૧૯ના કેન્દ્રીય બજેટ ૨૪,૪૨૨ અબજથી વધારે હતી.
•મોટા ભાગના સામાન્ય ભારતીયો તેમને જરૂરી એવી આરોગ્ય સેવાઓ લઈ શકતાં નથી. ઉલટાનું ૬.૩ કરોડ જેટલાં લોકો આરોગ્ય સેવાઓની કિંમતના કારણે ગરીબીમાં ઘસડાઈ જાય છે, કારણ કે, આરોગ્ય સેવાઓ ખૂબ મોંઘી છે. આનો અર્થ થાય દર સેકંડે બે વ્યક્તિઓ આરોગ્ય સેવાઓની કિંમતને કારણે ગરીબીમાં ઘસડાઈ જાય છે. ભારતમાં એક અગ્રણી રેડીમેડ ગારમેન્ટ કંપનીનો ટોચનો એક્ઝિક્યુટિવ વર્ષે જેટલું કમાય છે તે સ્તરે પહોંચતાં ગરીબીમાં સબડતાં આ જ ઉદ્યોગના રોજમદાર કામદારને ૯૪૧ વર્ષ જેટલો સમય લાગે.
ભારતની સરકાર એના અતિ ધનાઢ્ય લોકો પાસેથી પ્રમાણમાં નગણ્ય કહી શકાય તેવો ટેક્ષ ઉઘરાવે છે, જ્યારે જાહેર આરોગ્ય પાછળનો એનો માથાદીઠ ખર્ચો દુનિયામાં નીચામાં નીચો છે. સરકાર દ્વારા વ્યવસ્થિત નાણાંરોકાણ કરીને ગરીબલક્ષી જાહેર સેવાઓનું માળખું ઊભું કરવું જોઈએ તેને બદલે ભારત સરકાર લોકો પાસેથી ચીરી નાખે તેવા પૈસા વસૂલ કરતી અને દિવસે ને દિવસે વધુ ને વધુ બળવત્તર બનતી જતી ખાનગી આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન અને ટેકો આપવાનું પસંદ કરે છે. પરિણામે જેમની પાસે પૈસા છે તેમને જ સારી આરોગ્ય સેવાઓ મળે છે.
મેડિકલ ટુરિઝમ માટે ભારત એક ટોચનો દેશ છે, જેનો મોટા ભાગનો લાભાર્થી ખાનગી આરોગ્ય સેવાક્ષેત્ર છે. બાળમૃત્યુ દરની વાત કરીએ તો ભારતમાં આ દર સબ સહારન આફ્રિકા કરતાં ઊંચો છે. વિશ્વમાં ડીલીવરી દરમિયાન થતા મૃત્યુમાં ભારતના મૃત્યુનો દર ૧૭ ટકા છે અને પાંચ વર્ષથી નીચેની ઉંમરે થતાં બાળમરણમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા છે. ૨૦૧૫ બાદ ગરીબ અને તવંગર વચ્ચેની તિરાડ વધતી ચાલી. છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે ૨૦૨૩ના છેલ્લા ત્રૈમાસિકી ગાળામાં અર્થવ્યવસ્થાનો વિકાસ દર અધધધ કહી શકાય એવો ૮.૪ ટકા રહેવા પામ્યો, જે છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ઝડપે થયેલ વિકાસ હતો.
આને કારણે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી તે પહેલાં અર્થવ્યવસ્થા ફુલગુલાબી હતી એમાં કોઈ શંકા નથી. આ પેપર લખનારાંઓમાં થોમસ પીકેટી (પેરિસ સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ), લુકાસ ચાન્સેલ (હાર્વર્ડ કેનેડી સ્કૂલ એન્ડ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ) અને નીતિનકુમાર ભારતી (ન્યૂયોર્ક યુનિવર્સિટી એન્ડ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ) જેવા દિગ્ગજો છે. એમનું કહેવું છે કે ભારતની ટોચની ૧ ટકા વસતીનો આવકમાં હિસ્સો દુનિયામાં ઊંચામાં ઊંચો છે એટલે કે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને અમેરિકા કરતાં પણ વધારે.
ધ વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબના કહેવા મુજબ શિક્ષણનો અભાવ અથવા ગુણવત્તા વગરનું શિક્ષણ જેવાં પરિબળોએ લોકોને ઓછું વળતર આપતી નોકરીઓમાં જકડી રાખ્યાં છે, જેને કારણે તળિયાની પચાસ ટકા વસતી દયાજનક પરિસ્થિતિમાં જીવે છે. લગભગ આવી જ સ્થિતિ ૪૦ ટકા વસ્તી ધરાવતા મધ્યમ વર્ગની છે. ડિસેમ્બર, ૨૦૨૩માં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારે એવું વિધાન કર્યું હતું કે, સબસિડીવાળા અનાજનું વિતરણ, શિક્ષણ અને આરોગ્ય પર ખર્ચ અને ગ્રામીણ રોજગાર યોજના દ્વારા સીધા રોકડ ટ્રાન્સફરને કારણે આવકના વધુ સંતુલિત વિતરણને વેગ મળ્યો છે. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ખોટા હોઈ જ ના શકે એટલે શાબ્દિક રીતે એમનું કહેવું સાચું છે પણ અસરકારકતાની દૃષ્ટિએ એમણે કહેલાં બધાં જ પગલાંની સામુહિક અસર ચમચીથી દરિયો ઉલેચવા જેટલી છે.
આ જ પ્રકારના અફીણના ડોઝ હેઠળ તો ભારતીય પ્રજા જીવી રહી છે. હવે અર્થશાસ્ત્રીઓ પણ સરકારી વાજિંત્રો બની ગયા છે. પહેલાં એક થાળી વાજું આવતું, એના ઉપર લખેલું રહેતું, ‘હીઝ માસ્ટર્સ વૉઇસ’. આજના સરકારી અર્થશાસ્ત્રીઓ આ કક્ષામાં આવે છે અને આ કક્ષામાં ન આવે એવા રઘુરામ રાજન કે વિરલ આચાર્ય, બિસ્તરાં-પોટલાં બાંધીને આ દેશમાંથી વિદાય થઈ જાય છે. આર્થિક અને સંપત્તિની વહેંચણીની અસમાનતાની વરવી વાસ્તવિકતા વચ્ચે જીવતા દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતા દેશની આપણે વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધી જે લખાયું તે એની પૂર્વભૂમિકા હતી. હવે પછીના લેખમાં આપણે ભારતીય ગરીબી અને આવક તેમજ સંપત્તિની અસમાન વહેંચણી અંગેની કેટલીક અધિકૃત વિગતો આધારભૂત સંદર્ભો સાથે રજૂ કરીશું.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.