જન્માષ્ટમીનો ઉત્સવ આ વખતે એક બીજા કારણોસર ચર્ચામાં રહ્યો. કાશ્મીરમાં ૩૨ વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો એવી તસવીરો, વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વહેતા થયા. આ માત્ર ને માત્ર વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું હોવાની વાહવાહી પણ મોટે પાયે થઇ. લાલ ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીમાં કાશ્મીરી પંડિતોની હાજરી, તેમનું સરઘસ બધું જ ચર્ચામાં રહ્યું. આ બધાં પછી અગ્રણી વેબસાઇટ્સ પર એવા રિપોર્ટ પણ આવ્યા કે કાશ્મીરમાં જન્માષ્ટમીની ઉજવણી ૩૨ વર્ષમાં પહેલી વાર થવાના દાવા પોકળ છે કારણ કે ૨૦૦૪ની સાલથી લાલ ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીઓ થતી રહી છે.
બીજા એક રિપોર્ટ અનુસાર આતંકીઓએ કાશ્મીરમાં ૧૯૮૯માં અરાજકતા ફેલાવી તેના પછી ૨૦૦૭માં કાશ્મીરી પંડિતોએ જન્માષ્ટમીનું સરઘસ લાલ ચોકમાંથી ૨૦૦૭માં કાઢ્યું હતું. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના પ્રમુખ સંજય ટીકુએ શ્રીનગરથી અલ્ટ ન્યૂઝ સાથે વાત કરી તેમાં પણ તેણે કહ્યું હતું કે ૧૯૮૮ની સાલ સુધી દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે શ્રીનગર અને કાશ્મીર ખીણ પ્રદેશના અલગ અલગ હિસ્સાઓમાં જન્માષ્ટમીનું સરઘસ નીકળતું પણ ખીણ પ્રદેશમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત થયા બાદ એ ઉજવણી અટકી હતી. ૧૯૯૨ની સાલમાં ફરી શ્રીનગરના વિસ્તારોમાં ઉજવણી થઇ હતી. તેમના જણાવ્યા અનુસાર ૨૦૦૩થી દર વર્ષે આ ઉજવણી થતી આવી છે માત્ર ૨૦૦૮માં અમરનાથ જમીન વિવાદને મુદ્દે, ૨૦૧૦માં તૌફૈલ મટ્ટુની હત્યાને પગલે, ૨૦૧૪માં પૂરને કારણે, ૨૦૧૬માં બુરહાન વાનીના મોતને કારણે અને ૨૦૧૯થી ૨૦૨૦ દરમિયાન આર્ટિકલ ૩૭૦ અને Covid-19ને કારણે આ ઉજવણીઓ ન થઇ શકી.
આ જ રિપોર્ટમાં ઇસ્કોન ગ્રુપના સભ્યે પણ સ્પષ્ટતા કરી છે કે ૩૨ વર્ષ પછી પહેલી વાર કાશ્મીરમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હોવાનો દાવો સાવ પોકળ છે. આ ઉજવણીની વાતની ચોખવટ વિસ્તારે કરવી જરૂરી હતી કારણ કે ઘણી વાર ખોટી વાતોની ક્રેડિટ ખોટી વ્યક્તિને જાય છે તેવું જ આ વખતે પણ થયું. વાત તો કાશ્મીરના વર્તમાન સંજોગોની છે. જે બદલાવના દાવા કરાય છે તે ખરેખર ધરમૂળથી થયા છે કે ઉપરછલ્લા છે. સામાન્ય સમજણ ધરાવનારને પણ ખ્યાલ હોય જ છે કશું પણ રાતોરાત બદલાઇ નથી જતું, પરિવર્તન અને તે પણ તણાવમાંથી શાંતિની દિશાનું હોય તો તે ધીમું જ હોય. અરાજકતા, વિખેરાયેલી જિંદગીઓ, અસલામતી કશુંય રાતોરાત દૂર નથી થતું.
કેન્દ્ર સરકારે ખીણ પ્રદેશમાં ૨૦૧૯માં બંધારણીય ફેરફાર કર્યા તેને બે વર્ષ થઇ ગયાં અને આતંકવાદને ડામવામાં આ પ્રયાસો અમુક સ્તર સુધી સફળ પણ રહ્યા પરંતુ નવા સામાજિક વહીવટી તંત્ર અને આર્થિક માળખા સાથે ત્યાંના લોકો જોડાઇ નથી રહ્યા. કાશ્મીરમાં અત્યારે જે હાલત છે તેમાં કુશળ રાજકીય દાવપેચ જે ત્યાંના લોકોનો આત્મવિશ્વાસ વધારે, સ્થિરતા ખરેખર વિસ્તરશે તેવી તેમને ખાતરી થાય તેવું સંતુલન દિલ્હી સરકાર જાળવે તેની તાતી જરૂર છે.
કોરોના વાઇરસને કારણે કાશ્મીરમાં જે લૉકડાઉન લાગુ પડ્યું તે એક રીતે તેમને માટે તો ૨૦૧૯ના ઑગસ્ટ મહિનાથી સલામતીના કારણે લાગુ કરેલા ‘લૉકડાઉન’નું વિસ્તરણ જ સાબિત થયું. કાશ્મીરનું રાજકીય લૉકડાઉન ફેબ્રુઆરી ૨૦૨૧માં દૂર થયું અને આ દરમિયાન વહીવટી ફેરફારો કરાયા. હવે જમ્મુ કાશ્મીર પોલીસ ખાતામાં અને અન્ય સરકારી ખાતામાં અને બૅંક સુદ્ધામાં મોટી પોસ્ટ પરના પોલીસ અધિકારીઓ હિંદુ છે. ૫ ઑગસ્ટ ૨૦૧૯ પહેલાંની સ્થિતિ આવી નહોતી. મોટાભાગની ચાવીરૂપ પદવીઓ હિંદુઓને અપાઇ છે, ઘણી ટીમો તો એવી છે જેમાં મુસલમાન સભ્ય છે જ નહીં, આ પહેલાં હિંદુ અને મુસલમાન બંન્ને કોમના અધિકારીઓ સાથે એક તંત્રમાં કામ કરતા હોય તેમ હતું. એક રિપોર્ટ અનુસાર જ્યારે ૧૮૪૬થી ૧૯૪૭ દરમિયાન ડોગરાઓએ આ પ્રદેશ પર શાસન કરેલું ત્યારે પણ મુસલમાનોને અધિકારી બનવાનો મોકો નહોતો મળતો પછી તે સૈન્ય હોય કે વહીવટી તંત્ર હોય. ડોગરા અને રાજપૂતોને જ આ ખાતાંઓમાં પ્રતિનિધિત્વ મળતું.
ઑગસ્ટ ૨૦૧૯ અને જુલાઇ ૨૦૨૦ની વચ્ચે કાશ્મીરના અર્થતંત્રની હાલતની વાત કરીએ તો રાજ્યના અર્થતંત્રે ૪,૦૦,૦૦૦ મિલિયન જેટલું નાણું અને ૧ લાખ જેટલી રોજગારી ગુમાવી છે. આ કામકાજ મોટે ભાગે હસ્તકલા, ટુરિઝમ અને IT સેક્ટરમાં થતું હતું. કાશ્મીરમાં ટુુરિઝમને ફરી જીવંત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ અને તેને માટે આર્થિક પેકેજીઝની પણ જાહેરાત કરવામાં આવી. કાશ્મીરના સફરજનો જેના વ્યાપાર પર ૧.૫ મિલિયન જેટલા કુટુંબો નભે છે તે પણ ખોરવાઇ ગયો છે. સફરજનની ખેતી કરનારા ખેડૂતો દેવાના બોજ તળે દબાયા છે અને તેમને સરકાર સામે ફરિયાદો છે. સરકારે તેમની સમસ્યાઓના જવાબમાં બે સ્ટેટ ઑફ આર્ટ પેસ્ટિસાઇડ ટેસ્ટિંગ લેબ્ઝ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં શરૂ કરી છે. કાશ્મીરમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે અને ભારતમાં સૌથી ખરાબ બેરોજગારીના દરની યાદીમાં યુનિયન ટેરીટરી ઑફ જમ્મુ એન્ડ કાશ્મીર બીજા ક્રમાંકે આવે છે. સરકારે ક્લાસ ૪ની નોકરીઓની કંઇ સાડા આઠ હજાર જેટલી ખાલી જગ્યા જાહેર કરી તો સવા ત્રણ લાખ જેટલી અરજીઓ આવી.
કાશ્મીરમાં રહેનારા શિક્ષિત યુવાનોને એ ડર છે કે બહાર જશે તો પણ તેમને કામની તક નહીં સાંપડે કારણ કે મુસલમાનો પ્રત્યે લોકોમાં પૂર્વગ્રહો સતત વધી રહ્યા છે. આતંકીઓને કાબૂમાં લાવવાની સરકારની રીતોમાં ફેક એન્કાઉન્ટર જેવા કિસ્સાઓ પણ બને છે, ગમે ત્યારે ગમે તેનું ચેકિંગ કરાય છે. કાશ્મીરમાં ભાજપાના કાર્યકર્તાની હત્યા પણ આતંકીઓ દ્વારા થઇ છે. અત્યારે પણ કાશ્મીર ઘાટી પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ હોવાના સમાચાર છે. સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ વાઇરસના રોગચાળામાં ખડો છે, ત્યાં નસીબજોગે સંક્રમણ ઘટ્યું છે. કાશ્મીરમાં સ્વર્ગ છે પણ એક કળી ન શકાય તેવા વમળની સ્થિતિ પણ છે. તેની ઊંડાઇ, તેની ગતિનો ભોગ એ જ લોકો બની રહ્યા છે જે બસ બે ટંકનો રોટલો રળીને જીવવા માગે છે.