Top News

અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી 17 વર્ષ બાદ જામીન પર જેલમાંથી છૂટ્યો

ગેંગસ્ટરથી રાજકારણી બનેલા અરુણ ગવળી 17 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો છે. 76 વર્ષીય અરુણ ગવળીને 2007માં શિવસેનાના કોર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેમને ટ્રાયલ કોર્ટ અને બાદમાં બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. તેમ છતાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા બાદ તે આજે જેલમાંથી બહાર આવ્યો છે.

હત્યા કેસમાં સજા
2007માં થયેલી કમલાકર જામસાંડેકરની હત્યા કેસમાં અરુણ ગવળીનું નામ આવ્યું હતું. 2012માં ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા આપી હતી અને સાથે જ 17 લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અરુણ ગવળી સતત જેલમાં હતો અને તેમની અપીલ કોર્ટમાં પેન્ડિંગ હતી.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય
અરુણ ગવળીના વકીલોએ 2019માં બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં તેને જામીન આપ્યા છે. આ નિર્ણય બાદ નાગપુર સેન્ટ્રલ જેલમાં તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા પછી આજે અરુણ ગવળીને જામીન પર છોડવામાં આવ્યો છે.

પરિવાર અને સમર્થકોનું સ્વાગત
જેલમાંથી બહાર આવ્યા બાદ ગવળીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો અને સમર્થકો જેલની બહાર હાજર રહ્યા હતા અને ફૂલહાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું. ગવળીના સમર્થકો આ ક્ષણની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા.

ગવળીની રાજકીય સફર
ગેંગસ્ટર તરીકે ઓળખાયેલા અરુણ ગવળી 2004થી 2009 સુધી મહારાષ્ટ્રના ચિંચપોકલી મતવિસ્તારથી ધારાસભ્ય રહ્યા હતા. ‘ડેડા’ તરીકે ઓળખાતા અરુણ ગવળી મુંબઈના અંડરવર્લ્ડમાં મોટું નામ ધરાવતો હતો. પરંતુ ત્યારબાદ તેને રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

હવે આગળ શું?
હાલ ગવળી જામીન પર બહાર આવ્યો છે. પરંતુ કેસની સુનાવણી હજી પૂર્ણ થઈ નથી. સુપ્રીમ કોર્ટમાં અંતિમ ચુકાદો આવવાનો બાકી છે. કાનૂની લડત સાથે ગવળી ફરી રાજકીય સક્રિયતા બતાવશે કે નહીં તે જોવાનું રહેશે.

17 વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળતાં ગવળીના ભવિષ્યના પગલાં હવે ચર્ચાનો વિષય બન્યા છે.

Most Popular

To Top