Columns

સમય પર સમજ

એક દિવસ મહાન તત્ત્વજ્ઞાની સોક્રેટીસ અને પ્લેટો વચ્ચે એક વાત પર ચર્ચા થઇ.મૂળ મુદ્દો એ હતો કે ‘કોઈ પણ મુસીબત કે તકલીફ કે મુશ્કેલીની ક્ષણે ઉન્માદ વધે; ગુસ્સો આવે કે ઝઘડા થાય અને બેજવાબદારી કે નાસમજદારીભર્યું વર્તન કોઈ પણ માણસ કરી શકે ત્યારે તે ક્ષણે શું કરવું?’ આ મુદ્દા પર ચર્ચા કરતાં પ્લેટોએ કહ્યું, ‘જેમ બરફનું વાવાઝોડું આવે કે ભૂ વરસાદ કે ભૂ તાપ પડે તો આપને આશરો,કોઈ છત્ર કે બચાવ માટે કોઈ આડશ શોધીએ તેમ સાચા જ્ઞાની માણસે શાંતિથી એક બાજુ બેસી જવું અને સામેવાળાનો ગુસ્સો કે ઉન્માદ ઓછો થાય પછી તેને સમય આવે સાચી વાત સમજાવવી.’

પ્લેટોનો આ મત એકદમ સાચો છે પણ સોક્રેટીસની વાત પણ સમજવા જેવી છે. સોક્રેટીસે જણાવ્યું કે ‘હું માનું છું કે જો બનાવ બની જાય,જે થવાનું હોય સારું કે ખરાબ તે થઈ જાય પછી તેના વિશે વાત કરવી કે સમજાવટ આપવી તે તો નકામું વિવેચન જ કહેવાય.પછી તે સમજાવટનો કોઈ અર્થ ન રહે.બનાવ બની રહ્યો હોય…મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો હોય ત્યારે જે કહો,જે સમજાવો તે જ સાચું કર્મ.તે જ સાચો મર્મ સમજાવે અને માણસને ખોટા નિર્ણય લેતાં અટકાવી શકે.’

સદીઓ કાળ પહેલાં થયેલા આ મહાન તત્ત્વચિંતકોના એક મુદ્દા પરના આ બે જુદા જુદા મત આજની પરિસ્થિતિમાં વિચારીએ તો બન્નેના મત સો ટકા સાચા અને અસરકારક સાબિત થાય છે.આજના આ દુનિયાભરની ફેલાયેલી મહામારીના સમયમાં જાતને મુશ્કેલી અને તકલીફમાંથી બચાવવા માટે પ્લેટોનો મત સાચો છે કે ડાહ્યો માણસ તકલીફથી બચવા આડશ,છત્ર શોધી શાંતિથી બેસી જાય છે અને આગળ શું કરવું તે પછી વિચારે છે.દરેક જણ સમજદાર બનો અને ઘરે જ રહો.

અને આજની દુનિયાભરની ફેલાયેલી મહામારીની પરિસ્થિતિમાં બેજવાબદાર ,નાસમજ ,ઉન્માદી માણસોને જો અત્યારે જ નહિ સમજાવીએ અને નહિ અટકાવીએ તો તેઓ પોતે દુઃખી થશે, પોતાના અને અન્યના જીવન સાથે રમત રમશે અને પછી કંઈ કરવાનો કે તેમને સમજાવવાનો સમય પણ હાથમાં નહિ રહે.અહીં સોક્રેટિસનો મત સાચો ઠરે છે કે આજે અત્યારે જ નાસમજોને સમજાવો નહિ તો પછી બહુ મોડું થઇ જશે.દરેક જવાબદાર નાગરિક જાગો અને આજના તકલીફના સમયમાં જે કોઈ પણ નિયમ તોડી ખોટું કરતું હોય તેને આગળ આવી અટકાવો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top